Gujarat

અમદાવાદ: વાસણામાં સાયકલ ચોરીના આક્ષેપે સગીરોને માર માર્યાનો આરોપ, બચાવમાં આવેલી યુવતીઓ સાથે પોલીસનું ગેરવર્તન, કમિશનરને ફરિયાદ

By GS TEAM
10 May 20265 mins read
TukuTouch Logo
અમદાવાદના વાસણામાં આવેલા હરેન પંડ્યા ગાર્ડન ખાતે ગઈકાલે (નવમી મે) મોડી રાત્રે બે સગીર પર સાયકલ ચોરીની શંકાના આધારે સિક્યોરિટી ગાર્ડે પોલીસ બોલાવી હતી. જે બાદ પોલીસકર્મીએ એક સગીરને લાફો ચોડી દીધો હતો અને તેના પરિજનોને બોલાવ્યા હતા. જે બાદ સગીરની બે બહેનોની પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ યુવતીએ તેના મોબાઈળમાં વીડિયો ઉતારતા પોલીસકર્મીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: વાસણામાં સાયકલ ચોરીના આક્ષેપે સગીરોને માર માર્યાનો આરોપ, બચાવમાં આવેલી યુવતીઓ સાથે પોલીસનું ગેરવર્તન, કમિશનરને ફરિયાદ

Ahmedabad Police Complaint: અમદાવાદના વાસણામાં આવેલા હરેન પંડ્યા ગાર્ડન ખાતે ગઈકાલે (નવમી મે) મોડી રાત્રે બે સગીર પર સાયકલ ચોરીની શંકાના આધારે સિક્યોરિટી ગાર્ડે પોલીસ બોલાવી હતી. જે બાદ પોલીસકર્મીએ એક સગીરને લાફો ચોડી દીધો હતો અને તેના પરિજનોને બોલાવ્યા હતા. જે બાદ સગીરની બે બહેનોની પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ યુવતીએ તેના મોબાઈળમાં વીડિયો ઉતારતા પોલીસકર્મીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી. 

યુવતી આ અંગે પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે. તો બીજી તરફ, વાસણા પોલીસે અને વોચમેને આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. ત્યારે ગુજરાત સમાચાર ડિજિટલે ફરિયાદી યુવતી, ગાર્ડનના વોચમેન અને PI સાથે વાતચીત કરી હતી. જેમાં દરેકના અલગ અલગ નિવેદન સામે આવ્યા છે.

યુવતીના ગંભીર આક્ષેપો

ઘટના અંગે યુવતીએ જણાવ્યું હતું કે, 'મારા 9 અને 11 વર્ષના ભાઈઓ રાત્રે 10 વાગ્યાની આસપાસ આઈસ્ક્રીમ ખાવા ગયા હતા અને ગાર્ડનની બહાર સાયકલ પાર્ક કરીને અંદર ગયા હતા, ત્યારે વોચમેને છોકરાઓએ સાયકલ ચોરી છે તેવો આરોપ લગાવીને પોલીસ બોલાવી લીધી હતી. માતા-પિતાને જાણ કર્યા વિના જ પોલીસે મારા નાના ભાઈને બે લાફા મારી દીધા હતા. જ્યારે મારી મોટી બહેને આ ઘટનાનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેને ધક્કો મારીને ફોન છીનવી લીધો હતા. જ્યારે મેં મારો ફોન કાઢ્યો ત્યારે આહીર નામના પોલીસવાળાએ મને પણ લાફો અને લાત મારવાની કોશિશ કરી હતી. અમે પોલીસને કોઈ ગાળો નહોતી આપી, પરંતુ વોચમેનના પરિવારને ગાળો આપી રહ્યા હતા.'

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અંગે યુવતીએ જમાવ્યું કે, 'રાત્રે 12 વાગ્યે જ્યારે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા, ત્યારે અમારી વાત સાંભળવાને બદલે અંદરોઅંદર હસી મજાક કરી રહ્યા હતા અને અમારી અરજી પણ નહોતી લખી રહ્યા, તેથી અમારે બહાર બીજી પોલીસની ગાડી બોલાવીને બધી કાર્યવાહી કરાવવી પડી હતી. જ્યારે અમે સાયકલના પુરાવા આપ્યા ત્યારે તેઓ પોતાની વાતથી ફરી ગયા અને નવો આરોપ લગાવ્યો કે મારા ભાઈઓએ છ મહિના પહેલા લાકડી ચોરી હતી.'

આ પણ વાંચો: 14 હજાર વૉટનો કરંટ પણ જેનો જુસ્સો ન તોડી શક્યો: આણંદના ભાવિક ભરવાડે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ જીતી રચ્યો ઇતિહાસ

સિક્યોરિટી ગાર્ડનું શું કહેવું છે?

ગાર્ડનના વોચમેને જણવાવ્યું કે, 'ગાર્ડન રાત્રે 10-11 વાગ્યે બંધ થઈ જાય છે, પણ રાત્રે 12.30 વાગ્યાની આસપાસ આ લોકો જાળી કૂદીને અંદર આવ્યા હતા. ગરમી હોવાથી હું એ સમયે નહાવા બેઠો હતો અને મારા માતાએ જોયું કે કોઈ કૂદીને અંદર આવ્યું છે. હું બહાર આવ્યો અને બૂમ પાડી કે જે કોઈ હોય તે બહાર નીકળે, નહીંતર હાથમાં આવશે તો હું મારીશ. આ સાંભળીને તેઓ કૂદીને ભાગ્યા અને થોડે આગળ મૂકેલું એક્ટિવા ચાલુ કરીને જતા રહ્યા. તેઓ ત્રણ છોકરાઓ હતા અને તેમની એક-બે સાયકલો ગાર્ડનની સામે આવેલા પાનના ગલ્લા પાસે જ પડી હતી. આ જ છોકરાઓ છ મહિના પહેલાં પણ આવ્યા હતા અને ગાર્ડનમાં ઝાડવા તોડ્યા હતા. ત્યારે દિવસની નોકરી કરતા મારા પપ્પા તેમને બોલ્યા હતા, તો આ છોકરાઓ અને તેમના ઘરની મહિલાઓ મારા ઘરે આવીને પપ્પા સાથે ઝઘડો કરી ગયા હતા, મારવા પર ઉતરી આવ્યા હતા અને અમારી લાકડી પણ લઈ ગયા હતા. જો કે, ત્યારે અમે જવા દીધું હતું અને કોઈ ફરિયાદ નહતી કરી.'

યુવતીએ પોલીસ કમિશનરને અરજી કરી

યુવતીએ પોલીસ કમિશનરને લેટર લખીને અરજી કરી છે. જેમાં પોલીસકર્મીની ગેરવર્તણૂક અંગે રજૂઆત કરી હતી. જેમાં લખ્યું કે, આઠમી મે, 2026ના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ ફરિયાદી યુવતીના 9 અને 11 વર્ષીય બે સગીર ભાઈ અને તેમનો એક મિત્ર સિનિયર સિટીઝન પાર્કમાં રમવા અને સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવવા ગયા હતા. બગીચાની લાઈટો બંધ હતી પરંતુ ગેટ ખુલ્લો હોવાથી તેઓ અંદર ગયા હતા, પરંતુ ત્યાંના સિક્યોરિટી ગાર્ડે તેમને સાયકલ ચોર સમજીને લાકડી લઈ તેમની પાછળ દોડ્યા હતા. આ દરમિયાન ગભરાઈને બાળકો પોતાની સાયકલ ત્યાં જ મૂકીને ભાગી ગયા હતા, પરંતુ તેઓ ત્યાં પાછા સાઈલક લેવા આવતા ત્યાં સિક્યોરિટી ગાર્ડ દ્વારા પહેલેથી જ PCR વાન બોલાવી હતી. સ્થળ પર હાજર બે પોલીસકર્મીઓમાંથી સિવિલ ડ્રેસમાં રહેલા એક અધિકારીએ ફરિયાદી યુવતીના 11 વર્ષના સગીર ભાઈને લાફો માર્યો હતો અને બાળકો પર ચોરીનો ખોટો આરોપ લગાવી, પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી હતી. 

પોલીસ દ્વારા કોઈપણ મંજૂરી વિના સગીરનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો અને ચેક કર્યો હતો અને આ પછી તેમના પરિવારને બોલાવ્યા હતા. પરિવારજનો જ્યારે ત્યાં સ્થળ પર પહોંચ્યા અને સગીર બાળક પર થયેલા હુમલાની જાણ થઈ, એ પછી યુવતીએ પ્રૂફ માટે આખી ઘટનાનું મોબાઈલમાં વીડિય બનાવી રહી હતી. આમ સિનિયર સિટીઝન પાર્કના સિક્યોરિટી ગાર્ડ અને સિવિલ ડ્રેસમાં હાજર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવા આ અરજીમાં જણાવાયું છે.

સમગ્ર મામલો પોલીસનો પક્ષ

વાઈરલ થયેલા વીડિયો અંગે વાસણા પોલીસ સ્ટેશનના PIના જણાવ્યા હતું કે, 'વાસણાના હરેન પંડ્યા ગાર્ડનમાં બે સગીર છોકરાઓ સાયકલની ચોરી કરવા ઘૂસ્યા હતા. આ સમયે સિક્યુરિટી વાળા ડામોરે ફોન કરતા નજીકમાં રહેલી સેટેલાઇટ પોલીસની PCR વાન ત્યાં પહોંચી ગઈ હતી અને દોડીને ભાગતા છોકરાઓને પકડી લીધા હતા. આ પછી તેમની બહેનને ત્યાં બોલાવવામાં આવી, પરંતુ તેણે પોતાના ભાઈઓની ચોરી છુપાવવા પોલીસ પર આક્ષેપો કરવાનું શરૂ કર્યું, બૂમાબૂમ કરી અને પોલીસકર્મીઓને ગાળો પણ આપી. ખરેખર બાળકો ચોરી કરવા આવ્યા હતા, પરંતુ તેણે પોલીસને દબાવવાની કોશિશ કરી છે.'

યુવતીના આક્ષેપો અંગે PIના જણાવ્યા હતું કે, 'આ આખી ઘટનામાં પોલીસ વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો બિલકુલ ખોટા છે, અને કાઉન્ટર વીડિયોમાં પોલીસ આ બેનને ગાળો ન આપવા માટે વિનંતી કરી રહી છે. આ ધણીધરમાં રહેતી દત્ત ફેમિલીની મહિલા છે, અને હું તેને પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય તો અહીં આવવા કહું છું, પણ તે આવતી નથી અને ભાગતી ફરે છે. હવે અમે ખુદ પોલીસ ફરિયાદી બનીને તેમની સામે બે ગુના દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.'