Get The App

અમદાવાદ: લૂંટ-ચોરી કરતી કુખ્યાત છારા ગેંગના બે શખસની ગુજસીટોક હેઠળ ધરપકડ, 30 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: લૂંટ-ચોરી કરતી કુખ્યાત છારા ગેંગના બે શખસની ગુજસીટોક હેઠળ ધરપકડ, 30 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો 1 - image

Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ અને બેન્કમાંથી મોટી રકમ લઈને નીકળતા લોકોને ટાર્ગેટ કરતી કુખ્યાત 'છારા ગેંગ' વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વાહનચાલકોનું ધ્યાન ભટકાવી તેમજ વેશપલટો કરીને કરોડોની ચોરી-લૂંટ આચરતી છારા ગેંગના બે મુખ્ય સાગરીતોની પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC) હેઠળ ધરપકડ કરી છે. આ કાર્યવાહી સાથે જ ગુજરાત અને દિલ્હીમાં નોંધાયેલા લૂંટ, ધાડ અને ચોરી જેવા આશરે 30 જેટલા ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

પોલીસ કમિશનરની મંજૂરી બાદ ગુજસીટોકનો ઉમેરો

મળતી માહિતી અનુસાર, ઝોન-7 ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ છારા ગેંગના 4 સાગરીતોને અલગ-અલગ 7 ગુનાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓનો ગુનાઈત ઈતિહાસ તપાસતા માલૂમ પડ્યું હતું કે તેણે અમદાવાદ અને દિલ્હીમાં અસંખ્ય ગુનાઓ આચર્યા છે. આથી, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં પોલીસ કમિશનરની મંજૂરી મેળવીને ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક એક્ટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

આ કેસની વધુ તપાસના આધારે પોલીસે હાલમાં પ્રતિક ઉર્ફે અંધો પ્રવિણભાઈ પાનવેકર (રહે. છારાનગર, કુબેરનગર) તથા શંકુલ યોગેશભાઈ ભોગેકર (રહે. કુબેરનગર, સરદારનગર) એમ બે આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: ઉસ્માનપુરામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ બાદ કાબૂ ગુમાવતા અકસ્માત, કારમાં દારૂની બોટલ હોવા છતાં પોલીસ કેમ રહી અજાણ?

ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ અત્યંત સુઆયોજિત પ્લાનિંગ સાથે ગુનાને અંજામ આપતી હતી. આરોપીઓ હંમેશા હેલ્મેટ અને રૂમાલથી ચહેરો ઢાંકી રાખતા. પોલીસને ગેરમાર્ગે દોરવા તેઓ ઘરેથી નીકળતી વખતે અલગ કપડાં પહેરતા અને ગુનો આચરતી વખતે તેની ઉપર બીજા કપડાં ચડાવી લેતા હતા.

ગેંગનો એક સાગરીત વાહનચાલક સાથે ગમે તે બહાને બોલાચાલી કરી તેને વાતોમાં વ્યસ્ત રાખતો હતો. ડ્રાઇવર કે વાહનચાલકનું ધ્યાન ભટકાય તે જ સમયે અન્ય સાગરીતો એલ.એન.કી વડે મોપેડની ડેકી તોડીને અથવા હિરાકણી વડે કારના કાચ તોડીને અંદર પડેલો કિંમતી માલસામાન કે રોકડ રકમ ચોરીને પળવારમાં ફરાર થઈ જતા હતા.

ગુજરાત અને દિલ્હીમાં 30 ગુનાનો ઇતિહાસ

આ કુખ્યાત છારા ગેંગ સામે ગુજરાત અને દિલ્હીમાં મળીને કુલ 30 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના રેકોર્ડ મુજબ આ ગેંગ સામે અમદાવાદના એલિસબ્રિજ, સરખેજ, કૃષ્ણનગર, નવરંગપુરા, રામોલ, સોલા હાઇકોર્ટ, ઓઢવ, બોપલ, નરોડા, શાહીબાગ, વાડજ, રખિયાલ, વસ્ત્રાપુર અને સરદારનગર પોલીસ સ્ટેશનમાં તેમજ અડાલજમાં લૂંટ, ચોરી અને પ્રોહિબિશનના 28 ગુનાઓ નોંધાયા છે. આ ઉપરાંત, આ ગેંગ સામે દિલ્હીના કાશ્મીરી ગેટ પોલીસ સ્ટેશનમાં પણ લૂંટ, ધાડ, ગુનાહિત કાવતરું અને આર્મ્સ એક્ટ હેઠળના 2 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ તમામ ગુનાઓનો લાંબો ઇતિહાસ જોતા પોલીસે આકરી કાર્યવાહી કરી છે.