Get The App

અમદાવાદ: દીકરીને તેડવા બે બસ બુક કરાવી, ટ્રાવેલ્સ એજન્ટ 34,000 વધુ વસૂલીને છેલ્લી ઘડીએ હાથ અધ્ધર કરી દીધા

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ: દીકરીને તેડવા બે બસ બુક કરાવી, ટ્રાવેલ્સ એજન્ટ 34,000 વધુ વસૂલીને છેલ્લી ઘડીએ હાથ અધ્ધર કરી દીધા 1 - image

Ahmedabad News: સરખેજ વિસ્તારમાં કાપડના એક વેપારી સાથે ટ્રાવેલ્સ કંપનીના માલિક દ્વારા મોટી છેતરપિંડી કરવામાં આવી છે.  'હની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ'ના સંચાલક વિમલ રજનીકાંત પંચાલે બે લક્ઝરી બસ બુક કરાવવા માટે 34 હજારની રકમ લીધી હતી. છેલ્લે ટાણે હાથ ઊંચા કરી લેતા કાપડ વેપારીનો પ્રસંગ બગડે તેવી નોબત આવી હતી.

છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

ફરિયાદી જીયાઉદ્દીન સૈયદે તેમની દીકરીના લગ્ન બાદ મહેમાનોને સંતરામપુર તેડવા લઈ જવા માટે 'હની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ'ના સંચાલક વિમલ રજનીકાંત પંચાલ પાસે બે લક્ઝરી બસ કુલ રૂપિયા 26,000માં બુક કરાવી હતી અને એડવાન્સ પેટે રૂપિયા 15,000 પણ ચૂકવ્યા હતા. જોકે, બસ મોકલવાના સમયે જ ટ્રાવેલ્સ એજન્સીએ હાથ અધ્ધર કરી દીધા હતા, જેના કારણે વેપારીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના બાદ વેપારીએ વિમલ પંચાલ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીની કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

એકાએક ભાડું વધારી દીધું

લગ્નના બીજા દિવસે, 7/11/2025ના રોજ બપોરે બે વાગ્યે, જ્યારે 100 મહેમાનોને તેડવા માટે બસ આવવાની હતી, ત્યારે વિમલ પંચાલે વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ આપ્યો નહોતો. છેલ્લી ઘડીએ, પંચાલે વેપારીને નિરંજન જૈન નામના અન્ય એક વ્યક્તિનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ત્યારબાદ, સાંજના ચાર વાગ્યે મહાવીર ટ્રાવેલ્સ તરફથી માત્ર એક જ બસ મોકલવામાં આવી હતી. આ તકે, નિરંજન જૈને ફોન પર ધમકી આપી કે બે બસનું ભાડું રૂપિયા 41,660 થાય છે, અને જો સંપૂર્ણ રકમ નહીં ચૂકવવામાં આવે તો આવેલી એકમાત્ર બસમાંથી મહેમાનોને ઉતારી દેવામાં આવશે. પરિણામે, પ્રસંગ બગડે નહીં તે માટે મજબૂરીમાં ફરિયાદી વેપારીએ ડ્રાઈવરને રોકડા રૂપિયા 25,000 અને Google Pay દ્વારા રૂપિયા 9,000 એમ કુલ રૂપિયા 34,000ની વધારાની રકમ ચૂકવવી પડી હતી. આ રકમ નક્કી કરેલા ભાડા કરતાં ઘણી વધારે હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં 'બોર્નવીટા'ના બોક્સની આડમાં દારૂની હેરાફેરી: રૂ. 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત

ભાડું વધાર્યા બાદ પણ બસ મોકલવામાં ધાંધિયાગીરી

વધારાના રૂપિયા 34,000 વસૂલ્યા છતાં, નિરંજન જૈને બીજી બસ મોકલવાની બાંહેધરી આપી હતી, જે એક કલાક વીત્યા છતાં મોકલવામાં આવી નહોતી. આ પરિસ્થિતિમાં બાકીના મહેમાનોને સંતરામપુર તેડવા લઈ જવા માટે વેપારીએ પોતાના ખર્ચે અલગથી નાના ખાનગી વાહનો ભાડે કરવા પડ્યા હતા. બાદમાં ફરિયાદીએ વિમલ પંચાલ અને નિરંજન જૈન પાસેથી પોતાની વધારાની રકમ પરત માંગી ત્યારે વિમલ પંચાલે ગાળો બોલી અને ખોટા વાયદા આપીને રકમ પરત કરી નહોતી. આમ, લગ્નના શુભ પ્રસંગમાં ટ્રાવેલ્સ એજન્ટોએ છેતરપિંડી કરીને વેપારીને આર્થિક અને માનસિક રીતે હેરાન કર્યા હતા.