અમદાવાદ: AMTS બસે એક્ટિવાને અડફેટે લેતા 12 વર્ષના કિશોરનું મોત, માતા ઈજાગ્રસ્ત, ચાલકની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad AMTS Accident: અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે બુધવારે શહેરના અનુપમ બ્રિજ પર AMTS બસ અને ટુ-વ્હીલર વચ્ચે ટક્કર થતાં 12 વર્ષના કિશોરનું કરૂણ મોત થયું છે. જ્યારે સવાર માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટ્રાફિક પોલીસને જાણ કરાયા બાદ AMTS બસ ચાલકની અટક કરવામાં આવી છે.
AMTS એ ટક્કર મારતા માતાને ગંભીર ઈજા-પુત્રનું મોત
ઘટનાની વિગતો પર નજર કરીએ તો આજે સવારે 10:30ની આસપાસ 12 વર્ષના પુત્ર હેનિલ ગુપ્તા સાથે માતા ઘરેથી અનુપમ તરફ જઈ રહી હતી. તેવા અનુપમ બ્રિજ પર પહોંચતા જ AMTSના બસ ચાલકે માતા-પુત્રને અડફેટે લીધા હતા. જેમાં મહિલાની પાછળ બેઠલા પુત્ર હેનિલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે LG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ટુંકી સારવાર બાદ કિશોર હેનિલનું મોત થયું છે. જ્યારે માતા હજુ નિદાન હેઠળ છે. અકસ્માત બાદ લોકોના ટોળે ટોળાં પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતાં.
પરિવારમાં આક્રંદ
12 વર્ષના પુત્ર હેનિલનું અકાળે મોત થતાં પરિવાર પર દુખોનું આભ તૂટી પડ્યું હતું. LG હોસ્પિટલ પરિસરમાં જ પરિવારના સભ્યો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. પોલીસને ફરિયાદ કરવામાં આવતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા AMTS બસ ચાલકની ધરપકડ કરી હતી. અમદાવાદ શહેરમાં બેફામ દોડતી AMTSના કારણે કોઈ પરિવારનો મોભી, તો કોઈનો લાડકવાયો તો કોઈના ભાઈ બહેન મોતને ભેટયા છે. લાલ બસના ચાલકો સ્પીડ પર લગામ લગાવે તે જરૂરી છે. AMTS બસ ચલાવતી એજન્સી બસ મુગા મોઢે અકસ્માતો જોઈ રહી છે પણ કડક પગલાં લેવામાં બંને હાથ બાંધીને બેઠી છે.









