Get The App

લોન અપાવવાના બહાને US નાગરિકો સાથે છેતરપિંડી, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં 3ની ધરપકડ

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
લોન અપાવવાના બહાને US નાગરિકો સાથે છેતરપિંડી, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં 3ની ધરપકડ 1 - image


Ahmedabad News: અમદાવાદ શહેરમાં ખાડિયા પોલીસે એક આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી રેકેટનો પર્દાફાશ કર્યો છે. જે અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી ગિફ્ટ વાઉચર્સ ખરીદવા જાળ ફેલાવતા હતા, ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસાની ઉચાપત કરીને ભારતીય ચલણમાં નાણાં રૂપાંતરિત કરતાં હતા. ચોક્કસ માહિતીને આધારે કરેલી કાર્યવાહીમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

બાતમીને આધારે કાર્યવાહી

ખાડિયા પોલીસને બાતમી મળી હતી કે હોટલ સંગમમાં છેલ્લા ત્રણ દિવસથી રોકાયેલા કેટલાક યુવકો શંકાસ્પદ એક્ટિવિટી કરી રહ્યા હતા. આ બાદ પોલીસે હોટેલના રૂમમાં રેડ પાડી, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રૂમમાં લેપટોપ અને મોબાઈલ ફોન દ્વારા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડીનું આખું નેટવર્ક ચાલી રહ્યું હતું. પોલીસે સ્થળ પરથી મુંબઈના ક્લેટન રોડ્રિક્સ તેમજ અમદાવાદના રહેવાસી કપિલ પઢિયાર અને ધવલ દરજીને ઝડપી પાડ્યા હતા.

લોન અપાવવાના બહાને US નાગરિકો સાથે છેતરપિંડી, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં 3ની ધરપકડ 2 - image

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ ડાર્ક વેબ અથવા અન્ય ગેરકાયદેસર સ્ત્રોતો દ્વારા અમેરિકન નાગરિકોનો પર્સનલ ડેટા મેળવતા હતા. ઇન્ટરનેટ કોલિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેઓ અમેરિકામાં કોલ કરતા અને લોકોને "તમારી લોન મંજૂર થઈ ગઈ છે" કહીને વિશ્વાસમાં લેતા હતા. લોન આપવાના બહાને પ્રોસેસિંગ ફી કે અન્ય ચાર્જિસ પેટે દરેક ભોગ બનનાર પાસેથી 150થી 200 ડોલર પડાવવામાં આવતા હતા. છેતરપિંડીની આ રકમ સીધી બેંકમાં લેવાને બદલે તેઓ USDTમાં મેળવતા હતા અને ત્યારબાદ તેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરતા હતા, જેથી પોલીસ પકડથી બચી શકાય.

લોન ઓફર બાદ ખેલ કરતાં

પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, 'આરોપીઓએ અમેરિકન નાગરિકોનો વ્યક્તિગત ડેટા મેળવ્યો હતો અને ખોટી ઓળખ હેઠળ તેમનો સંપર્ક કરવા માટે ગુગલ વોઇસનો ઉપયોગ કર્યો હતો, તાત્કાલિક લોન મંજૂરીની ઓફર કરી હતી. સંભવિત પીડિતોને ઢગલાબંધ સંદેશાઓ અને કોલ કરવામાં આવ્યા હતા, જે બાદ ખાતરી આપીને વિશ્વાસમાં લેવામાં આવતા હતા કે તેમની લોન મંજૂર થઈ ગઈ છે.

વિદેશી નાગરિકોને છેતરવા નવી મોડસ ઓપરેન્ડી

પીડિત અમેરિકન નાગરિકોને પ્રોસેસિંગ ફી અને ચુકવણી સુરક્ષા વીમાના બહાને વોલમાર્ટ, વોલમાર્ટ ગ્રીન, એપલ પે અને ટાર્ગેટ કાર્ડ્સ સહિત ગિફ્ટ વાઉચર્સ ખરીદવા માટે કહેવામાં આવ્યું હતું, જે સામાન્ય રીતે $100 થી $500ની વચ્ચે મૂલ્યના હતા. એકવાર વાઉચર કોડ શેર કરવામાં આવ્યા પછી તેની આવક હેન્ડલરને મોકલવામાં આવી હતી જેણે USDT (ક્રિપ્ટોકરન્સી) નો ઉપયોગ કરીને રકમને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવામાં આવતી હતી, જે બાદ હવાલા અને આંગડિયાના માધ્યમ થકી ભંડોળની હેરાફેરી થતી હતી.

ત્રણેય આરોપીઓની ભૂમિકા અલગ અલગ

વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાના ગુનાહિત કાવતરાના ભાગ રૂપે ત્રણેય આરોપીઓએ સાથે મળીને કામ કર્યું હતું. છેતરપિંડીમાં આરોપીઓની ભૂમિકાઓ અલગ અલગ હતી, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મુંબઈના બોરીવલી પશ્ચિમના રહેવાસી ક્લેટોન સેબેસ્ટિયન રોડ્રિગ્સ (30), જે કથિત રીતે કોલિંગ ઓપરેશન્સ અને ક્લોઝરનું સંચાલન કરતો હતો.  અમદાવાદના મિર્ઝાપુરના રહેવાસી કપિલ હસમુખભાઈ પઢિયાર (39), જે કથિત રીતે લીડ ડેટા અને ઓપરેશનલ મટિરિયલનું સંચાલન કરતો હતો અમદાવાદના અખબારનગરના રહેવાસી ધવલ રાજેન્દ્રકુમાર દરજી (34), જે કથિત રીતે લીડ ડેટાના પેમેન્ટ પ્રોસેસર અને રીસીવર તરીકે કામ કરતો હતો.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના તોફાની બોલરની વાપસી, T20 વર્લ્ડ કપ પહેલા મેદાનમાં મચાવ્યો તરખાટ

ગુનામાં ઉપયોગ થયેલા ચાર મોબાઇલ ફોન અને એક લેપટોપ પોલીસે જપ્ત કર્યા છે. અને આરોપીઓ પર ભારતીય ન્યાય સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નેટવર્કમાં અન્ય કોણ કોણ છંડોવાયેલું છે, નાણાંનું ટ્રેસ શોધવા અને છેતરપિંડી નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.