Ahmedabad News: એક યુવકને લાકડી અને દંડાથી ઢોર માર મારતો હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. આ વીડિયો અમદાવાદના નારોલના પીપળજ ગામનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં એક ઈસમ હાથમાં લાકડીને લઈને બેફામ રીતે કથિત ચોરીના દાવા સાથે એક યુવકને નિર્દયતાથી માર મારી રહ્યો છે, બચવા માટે યુવક 'એ ભાઈ, એ ચેતનભાઈ જાને દો, જાને દો'ની બૂમ પાડી રહ્યો હતો. મહત્ત્વનું છે કે, આ વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોરી કરી હોવાનો આરોપ
મળતી માહિતી મુજબ, આ ઘટના નારોલના પીપળજ ગામમાં બની હતી. માર ખાનાર યુવક પર ટાયર સહિતની અન્ય ચીજવસ્તુઓની ચોરી કરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. તે પછી કેટલાક લોકોએ કાયદો હાથમાં લઈને યુવકને લાકડીના દંડા વડે જાહેરમાં ઢોર માર માર્યો હતો.
આ પણ વાંચો: 'આજે તને અને તારા શેઠને પતાવી દેવાના છે', અમદાવાદના વસ્ત્રાલમાં ગુંડા તત્ત્વોનો આતંક
વીડિયો એક મહિનો જૂનો હોવાનો અંદાજ
આ વીડિયોના આધારે અમદાવાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ વીડિયો આશરે એક મહિનો જૂનો હોવાનું માનવામાં આવે છે. જો કે, આ વીડિયોની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ પોલીસે વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.


