Get The App

અમદાવાદ: રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતા જીવરાજ બ્રિજ હત્યા કેસના આરોપી, પોલીસે પ્લાનિંગથી પકડ્યા

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતા જીવરાજ બ્રિજ હત્યા કેસના આરોપી, પોલીસે પ્લાનિંગથી પકડ્યા 1 - image

Ahmedabad Crime News: અમદાવાદમાં જીવરાજ બ્રિજ નીચે દીકરાના પ્રેમલગ્નના કૌટુંબિક વિવાદ અને અંગત અદાવતમાં 52 વર્ષીય નટુભાઈ પરમારની લાકડી અને લોખંડની પાઇપના ફટકા મારીને હત્યા કરનાર ચાર પૈકી ત્રણ મુખ્ય આરોપીઓને પોલીસે બનાસકાંઠાના દાંતીવાડામાંથી ઝડપી પાડ્યા છે. હત્યાને અંજામ આપ્યા બાદ ઓળખ છુપાવીને રાજસ્થાન ભાગી જવાની ફિરાકમાં રહેલા આ આરોપીઓને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે ટ્રેસ કરી લીધા હતા અને લોકલ LCBની મદદથી રાજ્ય છોડે તે પહેલા જ દબોચી લીધા છે, જ્યારે ફરાર ચોથા આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

ચાર લોકોએ લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરી નટુભાઈની હત્યા કરી હતી

આ અંગે DCP ઝોન 7એ જણાવ્યું કે, ગત તારીખ 2 મેના રોજ આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવરાજ બ્રિજ નીચે બાપા સીતારામ મોબાઇલ સ્ટોર આગળ નટુભાઈ પરમાર નામના એક શખ્સની ચાર લોકોએ લોખંડની પાઇપ અને લાકડીથી માર મારીને હત્યા કરી દીધી હતી. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ, અમારી ટીમે ઓળખ અને ડિટેક્શન માટે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. અમે આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું અને બનાસકાંઠા લોકલ પોલીસની મદદથી દાંતીવાડામાંથી ચારમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેમાં મુખ્ય આરોપી હસમુખ વાઘેલા છે, જ્યારે કાંતિભાઈ ઉર્ફે લેલીવાળા અને ભાવેશ પરમાર અન્ય બે આરોપીઓ છે, ચોથા આરોપી કેતનને પકડવાની અમારી કાર્યવાહી હજુ ચાલુ છે.

અમદાવાદ: રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતા જીવરાજ બ્રિજ હત્યા કેસના આરોપી, પોલીસે પ્લાનિંગથી પકડ્યા 2 - image

પ્રેમ લગ્ન, તકરાર અને હત્યા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યાનું મૂળ કારણ લગ્નજીવનનો કૌટુંબિક વિવાદ છે. મૃતક નટુભાઈના દીકરા કૌશિકના પાંચ વર્ષ પહેલાં માલવિકા સાથે પ્રેમલગ્ન થયા હતા. છેલ્લા છ મહિનાથી પતિ-પત્ની વચ્ચે મનદુઃખ ચાલતું હતું અને છ મહિના અગાઉ એક મિસકેરેજનો બનાવ પણ બન્યો હતો, જેને લઈને સમાધાનના પ્રયત્નો ચાલુ હતા. આ જ બાબતે માલવિકાની માતા વર્ષાબહેનના કૌટુંબિક ભાઈ (મુખ્ય આરોપી) હસમુખે વચ્ચે પડીને ગત 28મી તારીખે કૌશિક અને તેના પિતા નટુભાઈ સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાની અદાવત રાખીને જ હસમુખે તેના મિત્રો અને સગા સાથે મળીને બીજી તારીખે નટુભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. 

ઉબેર દ્વારા રાણીપ પહોંચ્યા, બાદમાં મૂળ વતનમાં સંતાયા

હત્યા કર્યા પછી આ આરોપીઓ બાઈક લઈને અને પછી ઉબેર દ્વારા રાણીપ વિસ્તારમાં પહોંચ્યા હતા, અને ત્યાંથી બસ કે અન્ય માધ્યમથી તેમના મૂળ ગામ બનાસકાંઠા ભાગી ગયા હતા. પોલીસથી બચવા માટે તેઓ મંદિરોની આસપાસના નાના ગેસ્ટ હાઉસમાં છુપાયા હતા અને તે રાજસ્થાન ભાગી જવાના હતા, પરંતુ તેમના પ્લાન પર પોલીસે પાણી ફેરવી દીધું હતું અને તેમને ઝડપી લીધા. 

આ પણ વાંચો: અમદાવાદમાં પ્રેમ લગ્નનો લોહિયાળ અંજામ, ગલ્લે ઊભેલા આધેડનું 4 શખસોના જીવલેણ હુમલામાં મોત

તેઓ અગાઉથી જ હત્યા કરવા માંગતા હતા કે માત્ર સબક શીખવાડવા માંગતા હતા તે અત્યારે સ્પષ્ટ કહી શકાય નહીં, પરંતુ જે રીતે માર મારવામાં આવ્યો છે તેના પરથી હત્યાનો ઇરાદો સ્પષ્ટ છે. હાલમાં મિસકેરેજની બાબતની અને ફરાર ચોથા આરોપીને શોધવાની અમારી આગળની તપાસ ચાલુ છે.