Ahmedabad News: બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી આજે એક મોટી વિમાની દુર્ઘટનામાંથી આબાદ બચી ગયો છે. પોતાની અપકમિંગ વેબ સિરીઝ 'તસ્કરી' અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના પ્રમોશન માટે અમદાવાદ આવી રહેલા ઈમરાન હાશ્મીની ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર બે વાર લેન્ડિંગ નિષ્ફળ રહ્યું હતું, જેના કારણે એક્ટર સહિત તમામ મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
50 મિનિટની સફર 4.30 કલાકે પૂરી થઈ!
અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં મોડેથી પહોંચેલા ઈમરાન હાશ્મીએ પોતાનો ભયાનક અનુભવ શેર કરતા જણાવ્યું કે, 'આજે મુંબઈથી અમદાવાદ આવતી વખતે મોટી આફત આવી હતી. પ્લેનમાં ટેકનિકલ ખામીને કારણે પાયલોટે બે વાર લેન્ડિંગનો પ્રયાસ કર્યો પરંતુ પ્લેન રનવે પર ઉતરી શક્યું નહીં. આખરે સુરક્ષાના કારણે ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. જે મુસાફરીમાં માત્ર 50 મિનિટ લાગતી હોય છે, ત્યાં આજે મારે 4.30 કલાકનો સમય લાગ્યો.' આ વિલંબને કારણે તે સવારની પ્રેસ કોન્ફરન્સમાં પણ હાજર રહી શક્યો નહોતો.
"ઈમરાનભાઈ કોઈ 'તસ્કર' પકડવા ગયા હશે": ટીમની રમૂજ
ઈમરાન હાશ્મી કાર્યક્રમમાં મોડો પડતા પત્રકારોએ તેની ટીમને સવાલો કર્યા હતા. જોકે, શરૂઆતમાં ટીમ આ ગંભીર ઘટનાથી અજાણ હતી. ટીમના સભ્યોએ રમૂજમાં જવાબ આપ્યો હતો કે, "અમને આ ઘટનાની જાણ નહોતી. કદાચ ઈમરાનભાઈ તેમની નવી સીરીઝની જેમ જ કોઈ 'તસ્કર' પકડવા ગયા હશે એટલે મોડું થયું હશે!" જોકે, બાદમાં ઈમરાન સુરક્ષિત રીતે પહોંચતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
મુંબઈ-અમદાવાદ ફ્લાઇટમાં ગંભીર ટેકનિકલ ખામી
આજે 13 જાન્યુઆરી, 2026ના રોજ મુંબઈથી અમદાવાદની સફરે નીકળેલા ઈમરાન હાશ્મી સહિતના મુસાફરો માટે આ પ્રવાસનો અનુભવ ભયાનક રહ્યો હતો. અકાસા એરની ફ્લાઇટ નંબર QP 1781(Boeing 737 Max 8), જે સવારે 8:40 વાગ્યે મુંબઈથી રવાના થઈ હતી, તેમાં અધવચ્ચે જ એક ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા વિમાનમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. નિર્ધારિત સમય મુજબ સવારે 10:00 વાગ્યે અમદાવાદ ખાતે લેન્ડિંગ કરવાનું હતું, પરંતુ ટેકનિકલ ખામીના કારણે મોટી દુર્ઘટનાની દહેશત ઊભી થઈ હતી.
મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
અમદાવાદ ઍરપોર્ટ પર લેન્ડિંગ સમયે સર્જાયેલી આ કટોકટીએ મુસાફરોના જીવ અધ્ધર કરી દીધા હતા. જ્યારે ફ્લાઇટ નિર્ધારિત સમયે લેન્ડિંગની તૈયારીમાં હતી, ત્યારે અચાનક સર્જાયેલી ગંભીર ટેકનિકલ ખામી અથવા પ્રતિકૂળ સંજોગોને કારણે પાયલોટ વિમાનને રનવે પર સ્થિર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. પ્રથમ પ્રયાસ દરમિયાન વિમાન રનવેની અત્યંત નજીક પહોંચી ગયું હતું, પરંતુ ટચ-ડાઉન થાય તે પહેલા જ જોખમ પારખી ગયેલા પાયલોટે તેને ફરી હવામાં ખેંચી લેવું પડ્યું હતું.
જ્યારે પાયલોટે લેન્ડિંગ માટે બીજો પ્રયાસ કર્યો, ત્યારે ફરી એ જ ગંભીર સ્થિતિનું પુનરાવર્તન થયું હતું. સતત બે વાર રનવેની સાવ નજીક જઈને ફરી એ જ સ્થિતિ સર્જાતા ફ્લાઇટની અંદર ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ભયાનક અનુભવ વિશે જણાવતા એક મુસાફરે ધ્રૂજતા અવાજે કહ્યું હતું કે, 'તે ક્ષણે અમને લાગ્યું કે વિમાન ગમે ત્યારે પછડાશે અને અમારો બચવાનો કોઈ રસ્તો નથી. બે વાર ઍરપોર્ટની નજીક જઈને વિમાન પાછું હવામાં જતું રહેતા દરેકના શ્વાસ થંભી ગયા હતા.' આ ઘટનાના કારણે ઍરપોર્ટ ઑથોરિટી પણ હરકતમાં આવી ગઈ હતી.
સુરક્ષાને ધ્યાને રાખી જયપુર ડાયવર્ઝન
અમદાવાદમાં સતત બે નિષ્ફળ લેન્ડિંગ બાદ એર ટ્રાફિક કંટ્રોલ(ATC) અને પાયલોટે જોખમ ન લેવાનું નક્કી કર્યું હતું. સુરક્ષાના કારણોસર ફ્લાઇટને તાત્કાલિક જયપુર ઍરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. જયપુરમાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.હાલમાં આ ટેકનિકલ ખામી પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે એરલાઇન્સ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું મનાય છે.


