Karan Aujla: વિકી કૌશલની ફિલ્મ 'Bad Newz'ના 2024ના હિટ ગીત 'તૌબા તૌબા'થી ધૂમ મચાવનાર પંજાબી સિંગર અને રેપર કરણ ઔજલા અત્યારે ચર્ચામાં છે. કેનેડિયન રેપર અને એક્ટ્રેસ મિસ ગોરીએ (Ms Gori) આ પંજાબી સંગીતકાર પર આરોપ લગાવ્યો છે કે, કરણ પોતે પરણેલો હોવાની વાત છુપાવીને તેની સાથે સંબંધોમાં રહ્યો હતો. એટલું જ નહીં, તેણે એવો પણ આક્ષેપ કર્યો છે કે ઔજલા અને તેની ટીમ તેનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો?
કેનેડિયન આર્ટિસ્ટે સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો છે કે કરણ ઔજલાની પત્ની પલક ઔજલા હોવા છતાં સિંગરે તેની સાથે સંબંધ રાખ્યા હતા. જ્યારે તેને આ વાતની જાણ થઈ અને તેણે સવાલ ઉઠાવ્યા, ત્યારે તેને ચૂપ કરી દેવામાં આવી હતી અને જાહેરમાં બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ આર્ટિસ્ટે એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે કરણની ટીમે ભારતીય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો સંપર્ક કરીને તેના વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવી હતી.


સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ વાઇરલ
આ સમગ્ર મામલે ત્યારે ગંભીર વળાંક આવ્યો જ્યારે આ આર્ટિસ્ટના નિવેદનના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા. આ પોસ્ટમાં એવો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં કેનેડા અને અમેરિકાની પોલીસ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે. આર્ટિસ્ટના જણાવ્યા અનુસાર, પશ્ચિમી દેશોમાં તેને બદનામ કરવા માટે તેના વિરુદ્ધ ખોટા ફોજદારી આરોપો અને અફવાઓ ફેલાવવામાં આવી હતી. આ વિવાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજી રહ્યો છે અને એવા પણ અહેવાલ છે કે એક પ્રતિષ્ઠિત કેનેડિયન મીડિયા હાઉસ ટૂંક સમયમાં જ આ આર્ટિસ્ટનું વિસ્તૃત ઇન્ટરવ્યૂ લેવાનું છે, જેમાં તે કરણ ઔજલા સાથેના પોતાના સંબંધો અને ટીમના કથિત કાવતરાઓ વિશે વધુ ખુલાસા કરી શકે છે.


સોશિયલ મીડિયા પર આક્રોશ
સોમવાર, 12 જાન્યુઆરીએ આર્ટિસ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું કે, 'જ્યારે કોઈ સાચું બોલે છે, ત્યારે જે લોકો મૌનનો ફાયદો ઉઠાવતા હોય છે તેઓ અસ્વસ્થ થઈ જાય છે. ઘણી મહિલાઓને મેનિપ્યુલેટ કરવામાં આવી અને તેમની કહાની બદલી નાખવામાં આવી જેથી અમુક લોકો પોતાની જવાબદારીમાંથી બચી શકે. હું હવે આ પેટર્નનો હિસ્સો નહીં બનું. ભારતની ઘણી હસ્તીઓએ મને મેસેજ કરીને આ અવાજ ઉઠાવવા બદલ પ્રોત્સાહન આપ્યું છે.'
આ પણ વાંચો: રાત્રે ઊંઘવા ગયો પછી ઉઠ્યો જ નહીં... સિંગર પ્રશાંત તમાંગની પત્નીનું ભાવુક નિવેદન
કરણ ઔજલાનું મૌન
આટલા ગંભીર આરોપો લાગ્યા હોવા છતાં, કરણ ઔજલા કે તેની ટીમ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સોશિયલ મીડિયા પર ફેન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક તરફ કરણના ચાહકો આને તેને બદનામ કરવાનું કાવતરું ગણાવી રહ્યા છે, તો બીજી તરફ મહિલા આર્ટિસ્ટના સમર્થકો ન્યાયની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠેલો આ વિવાદ કરણ ઔજલાની કારકિર્દી પર કેવી અસર પાડે છે.


