અમદાવાદ: ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં 18.55 કરોડની છેતરપિંડી, એકની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Digital Arrest Scam: ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સે(CCE) દેશવ્યાપી સાયબર ફ્રોડ સિન્ડિકેટના વધુ એક સભ્યની ધરપકડ કરી છે. આ કૌભાંડીઓ વોટ્સએપ વીડિયો કોલ દ્વારા નિર્દોષ નાગરિકોને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી, સરકારી એજન્સીઓના નામે ડરાવીને કરોડો રૂપિયા પડાવતા હતા. પકડાયેલ આરોપીની ઓળખ અશોકકુમાર નરશીભાઈ સાંખલા તરીકે થઈ છે, જે અમદાવાદનો રહેવાસી છે.
કૌભાંડની મોડસ ઓપરેન્ડી
પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ સામાન્ય લોકોને વોટ્સએપ વીડિયો કોલ અથવા ફોન કોલ કરતી હતી. તેઓ પોતાની ઓળખ ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા(TRAI)ના અધિકારીઓ અથવા પોલીસ તરીકે આપતા હતા.
ભોગ બનનારને કહેવામાં આવતું કે તેમનો મોબાઇલ નંબર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વપરાયો છે અને તે તેમના આધાર કાર્ડ સાથે લિંક છે, જેથી તેમનો નંબર થોડા કલાકોમાં બંધ થઈ જશે. ત્યારબાદ, સુપ્રીમ કોર્ટ, CBI, ED, અને RBI જેવી એજન્સીઓનો ડર બતાવી, ખોટી FIRના નામે લોકોને ‘ડિજિટલ અરેસ્ટ’ કરવામાં આવતા. પીડિતોને ઘરની બહાર ન નીકળવા અને કોઈની સાથે વાત ન કરવાની સૂચના આપી જીવનભરની કેદની ધમકી આપી પૈસા પડાવવામાં આવતા હતા.
ચેરિટી ટ્રસ્ટના નામે કાળા નાણાંની હેરફેર
તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીએ અગાઉ પકડાયેલા સાગરીતો સાથે મળીને “વિશ્વ ગ્લોબલ ચેરિટી ટ્રસ્ટ” નામે બૅંક ખાતાઓ ખોલાવ્યા હતા. આ ખાતાની વિગતો મુંબઈના સાગરીતોને મોકલી હતી, જેનો ઉપયોગ ફ્રોડના રૂપિયા જમા કરવા માટે થતો હતો. બદલામાં આરોપીને USDT ક્રિપ્ટોકરન્સી વોલેટ દ્વારા કમિશન મળતું હતું.
18.55 કરોડનું કૌભાંડ અને 11 રાજ્યોમાં ફરિયાદ
સાયબર ક્રાઇમ પોર્ટલ પર તપાસ કરતાં આ ટ્રસ્ટના બૅંક ખાતાઓ સામે દેશભરમાં 11 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. જેમાં મુંબઈ, કોઈમ્બતુર અને તેલંગાણાના કેસોનો સમાવેશ થાય છે. પોલીસના અંદાજ મુજબ, આ કેસોમાં કુલ 18.55 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે, જેમાંથી 3.15 કરોડ રૂપિયા પકડાયેલા આરોપીના સંપર્કો મારફતે ટ્રાન્સફર થયા હતા. પોલીસે આરોપી પાસેથી એક મોબાઇલ ફોન જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.









