Gujarat

અમદાવાદ: ખાડિયામાં ખાખીનો ખોફ ઓગળ્યો? કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ વાનમાં બેઠા-બેઠા ગાળો ભાંડી

By GS TEAM
11 Jun 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. ખાડિયા વિસ્તારની પોળમાં પોતાની દાદાગીરી માટે જાણીતા કુખ્યાત મોન્ટુ નામદાર દ્વારા મચાવવામાં આવેલા આતંકનો આ નવો વીડિયો છે. આ વીડિયોમાં મોન્ટુ નામદારની હિંમત એટલી હદે વધી ગયેલી જોવા મળે છે કે તેણે કાયદાનો જરાય ડર રાખ્યા વિના, ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે ખુલ્લેઆમ અત્યંત ગેરવર્તન કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ખાડિયામાં ખાખીનો ખોફ ઓગળ્યો? કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ વાનમાં બેઠા-બેઠા ગાળો ભાંડી

Ahmedabad Criminal Montu Khadia Viral Video: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. ખાડિયા વિસ્તારની પોળમાં પોતાની દાદાગીરી માટે જાણીતા કુખ્યાત મોન્ટુ નામદાર દ્વારા મચાવવામાં આવેલા આતંકનો આ નવો વીડિયો છે. આ વીડિયોમાં મોન્ટુ નામદારની હિંમત એટલી હદે વધી ગયેલી જોવા મળે છે કે તેણે કાયદાનો જરાય ડર રાખ્યા વિના, ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે ખુલ્લેઆમ અત્યંત ગેરવર્તન કર્યું છે.

પોલીસ કસ્ટડીમાં જ ધમકી

સામે આવેલા લેટેસ્ટ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પોલીસની પકડમાં હોવા છતાં કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર સરકારી ગાડીમાં જ બેઠા-બેઠા પોલીસકર્મીને અપશબ્દો બોલી રહ્યો છે અને તેમને ધમકાવી રહ્યો છે. ખાડિયાની પોળમાં બનેલી આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં જ સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ કર્મચારીના અપમાનનો આ વીડિયો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા જ, પોલીસે તાત્કાલિક મામલે તપાસ હાથ ધરી છે અને આરોપી સામે કડક કાયદાકીય પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

જામીન પર બહાર આવતા જ હંગામો

ઉલ્લેખનીય છે કે, ભાજપના એક કાર્યકર્તાની હત્યાના કેસમાં સંડોવાયેલો મુખ્ય આરોપી મોન્ટુ નામદાર તાજેતરમાં જ ફર્લો જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી મુક્ત થતાં જ તેણે કાયદાના લીરેલીરા ઉડાડવાનું શરૂ કરી દીધું હતું. તેણે પોતાના સાગરીતો જીજ્ઞેશ રામી અને ફિરોજ સાથે મળીને ખાડિયા વિસ્તારમાં ભારે હંગામો મચાવ્યો હતો. આ ગુનેગારોએ રસ્તો રોકીને જાહેરમાં ફટાકડા ફોડ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

આ પણ વાંચો: એ 5 વર્ષના માસૂમનો ચહેરો હું જિંદગીભર નહીં ભૂલી શકું... એ ભેંકાર રાત યાદ કરીને આજે પણ ધ્રુજી ઉઠે છે ડૉક્ટર્સ

સાક્ષી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી

આટલું જ નહીં, મોન્ટુએ હત્યાના કેસની એક સાક્ષી મહિલાને જાહેરમાં અપશબ્દો કહી તેના આખા પરિવારને ખતમ કરી નાખવાની ગંભીર ધમકી આપી હતી. આનાથી ડરી ગયેલી મહિલાએ તાત્કાલિક 112 કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસની મદદ માંગી હતી, જેના કારણે આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ કેસમાં આરોપીને ઝડપી લેવાતા ગુંડાતત્વએ PCR વાનના કર્મીઓ સાથે રકઝક કરી મનફાવે તેમ શબ્દો ઉચાર્યા હતા. જેનો વીડિયો વાઈરલ થતાં જ લોકો કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. બીજી તરફ આ મામલે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ કાયદો-વ્યવસ્થા પર સવાલો ઊઠ્યા છે. હવે ખાડિયા પોલીસ મોન્ટુ નામદારના ફર્લો જામીન રદ કરાવવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવાની તૈયારી કરી રહી છે.