મુકેશ અંબાણી ભારતના 'વડાપ્રધાન' છે તેની મને ખબર નહોતી : મસ્ક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સ્ટારલિન્કના માલિક મસ્કનો હવે સીધો અંબાણી જૂથ પર આક્ષેપ
- અમેરિકાએ ડેટા ચોરી, સુરક્ષાના આક્ષેપો હેઠળ ચીનની કંપનીઓનો પ્રવેશ અટકાવ્યો : ભારતીયોએ અરીસો બતાવ્યો
- રિલાયન્સ જૂથની કંપની ક્વિક સપ્લાયે ભાજપને રૂ. ૩૮૫ કરોડનું ભંડોળ આપ્યું : મસ્ક
નવી દિલ્હી : અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કે તેમની સેટેલાઈટ ઈન્ટરનેટ કંપની સ્ટારલિંકને ભારતમાં પ્રવેશ નહીં અપાવા મુદ્દે હવે સીધો જ અંબાણી જૂથ અને કેન્દ્ર સરકાર પર આક્ષેપો મૂક્યા છે. અંબાણી ભારતના 'સાચા વડાપ્રધાન' છે તેવો સવાલ કરનારા મસ્કે હવે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીને 'વડાપ્રધાન' તરીકે સંબોધન કર્યું હતું. એટલું જ નહીં તેમણે રિલાયન્સ જૂથની કંપનીઓ દ્વારા ભાજપને રૂ. ૩૮૫ કરોડનું ભંડોળ અપાયું હોવાનો પણ દાવો કર્યો હતો. જોકે, મસ્કના આક્ષેપોના ભારતમાં ઘેરા પડઘા પડયા છે અને ચોમેરથી તેની ટીકા થઈ રહી છે.
ભારતમાં સ્ટારલિંકની સેટેલાઈટ ઈન્ટરનેટ સુવિધા શરૂ થવામાં સતત વિલંબ થઈ રહ્યો છે, જેના માટે ઈલોન મસ્કે રિલાયન્સ જૂથના ચેરમેન મુકેશ અંબાણીને જવાબદાર ગણાવીને તેમની ટીકા કરી રહ્યા છે. ઈલોન મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર 'અંબાણી દેશના અસલી બોસ છે?' તેવો સવાલ કર્યા પછી હવે દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને 'વડાપ્રધાન' ગણાવ્યા હતા.
મસ્કે એક્સ પર લખ્યું, 'પ્રિય, વડાપ્રધાન અંબાણી તમે જ ભારતના અસલી બોસ છો તે સમજી નહીં શકવા માટે મને માફ કરો. શું તમે સ્ટારલિંકને પ્રતિસ્પર્ધા કરવાની મંજૂરી આપવા પર વિચાર કરી શકો? ભારતના અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટની પહોંચ નથી. સ્ટારલિંક ત્યાં ઈન્ટરનેટની સુવિધા આપી તેમનું જીવન સારું બનાવવા માગે છે.'
ઈલોન મસ્ક માત્ર આ પોસ્ટ કરીને અટક્યા નહોતા. તેમણે વધુ એક પોસ્ટ કરી, જેમાં તેમણે રિલાયન્સ જૂથ અને શાસક પક્ષ ભાજપની સાંઠગાંઠનો આક્ષેપ કર્યો હતો. મસ્કે અનેક એવા સમાચારોના સ્ક્રીનશોટ શૅર કર્યા, જેમાં આક્ષેપ કરાયો છે કે રિલાયન્સના ફન્ડિંગવાળી એક કંપનીએ સોશિયલ મીડિયા પર ભાજપને ચૂંટણી અભિયાનોને પ્રોત્સાહન આપવામાં મદદ કરી. મસ્કે ઈન્ડિયન એક્સપ્રેસનો ૨૦૨૪ના એક અહેવાલ શૅર કર્યો છે, જેમાં દાવો કરાયો છે કે રિલાયન્સ જૂથ સાથે સંકળાયેલી ક્વિક સપ્લાયે ચૂંટણી બોન્ડ મારફત ભાજપને રૂ. ૩૮૫ કરોડ અને શિવસેનાને રૂ. ૨૫ કરોડનું દાન આપ્યું હતું.
જોકે, મસ્કના આક્ષેપોના ભારતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. મસ્કના આક્ષેપોનો રિલાયન્સે કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ આ મુદ્દે સરકારે અગાઉથી જ ખુલાસો કરી દીધો છે કે ભારતમાં કોઈ કંપનીને મોનોપોલીની મંજૂરી અપાઈ નથી. બધી કંપનીઓએ સુરક્ષા તબક્કામાંથી પસાર થવું પડશે. બીજીબાજુ સોશિયલ મીડિયા પર ભારતીયોએ ઈલોન મસ્કની ઝાટકણી કાઢી છે. અનેક લોકોએ આક્ષેપો કર્યા કે અમેરિકા સુરક્ષાના કારણો આગળ ધરી વિદેશી કંપનીઓને તેના બજારમાં પ્રવેશ નથી આપતી અને બીજીબાજુ અન્ય દેશો પાસે તેમની કંપનીને તેમના બજારોમાં પ્રવેશ આપવાનું દબાણ કરે છે. અમેરિકાએ નાગરિકોના ડેટાની ચોરીના આક્ષેપો કરી ચીનની હુઆવે, ઝેડટીઈ, હિકવિઝન, કાસ્પરસ્કી, ટિકટોક જેવી કંપનીઓનો અમેરિકા પ્રવેશ અટકાવી દીધો છે, જેના પર સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવાયા છે.




