અમદાવાદના ચાંદલોડિયામાં 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા પિતા-પુત્રીનું દિલધડક રેસ્ક્યૂ, જાનહાનિ ટળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આજે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી હતી, જ્યાં એક પિતા અને તેમની પુત્રી અકસ્માતે 60 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયા હતા. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરીને ગણતરીની મિનિટોમાં જ બંનેને હેમખેમ બહાર કાઢી લેતા મોટી જાનહાનિ ટળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી ગજરાજ સોસાયટી પાસેના એક જૈન મંદિરના પરિસરમાં આ દુર્ઘટના બની હતી. અહીં આવેલા લગભગ 60 ફૂટ જેટલા ઊંડા કૂવામાં પિતા અને પુત્રી અજાણતા પડી ગયા હતા. કૂવામાં પાણી હોવાને કારણે બંનેના જીવ જોખમમાં મુકાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ટ્યુબની મદદથી સફળ રેસ્ક્યૂ ઓપરેશન
ઘટનાની ગંભીરતાને પારખીને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ એક પળનો પણ વિલંબ કર્યા વિના રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કૂવામાં પાણી હોવાથી બચાવ કામગીરી પડકારજનક હતી, પરંતુ ફાયર ટીમે કૂવામાં ટ્યુબ નાખીને પિતા-પુત્રીને આધાર આપ્યો હતો અને ભારે જહેમત બાદ બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
ફાયર બ્રિગેડની આ કુશળ અને સમયસરની કામગીરીને કારણે પિતા અને પુત્રી બંનેને નવું જીવન મળ્યું છે. સ્થાનિક રહીશોએ ફાયર વિભાગની આ ત્વરિત કામગીરીની ભરપૂર સરાહના કરી હતી.








