Get The App

'પાણી વગરની' અમદાવાદ જિલ્લા પંચાયત!: આખા જિલ્લાને મોટરો વહેંચતી કચેરીની પોતાની જ મોટર ઠપ્પ, તંત્ર લાચાર

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
Ahmedabad dist Panchayat


Ahmedabad News : કહેવાય છે કે 'દીવા તળે અંધારું', આ કહેવત અત્યારે અમદાવાદ જિલ્લા પંચાયત પર બરાબર બંધ બેસે છે. લાલ દરવાજા સ્થિત જિલ્લા પંચાયતની કચેરીમાં છેલ્લા કેટલાક સમયથી પાણીના બોરની મોટર બગડી જતાં ભારે હાલાકી ઊભી થઈ છે. નવાઈની વાત એ છે કે, જે પંચાયત આખા જિલ્લાની ગ્રામ પંચાયતોને પાણીની મોટરો સપ્લાય કરે છે, તેની પાસે પોતાની ઑફિસ માટે એક સ્પેર મોટર પણ નથી!

ચેરમેન અને પ્રમુખની કેબિનમાં 'કાગળના કપ'માં ચા!

પાણીના અભાવે કચેરીની હાલત એવી કફોડી થઈ છે કે ઉચ્ચ પદાધિકારીઓની મર્યાદા પણ જળવાતી નથી. સામાન્ય રીતે મહેમાનોને કાચના કે સિરામિકના કપમાં ચા પીરસવામાં આવતી હોય છે, પરંતુ પાણી ન હોવાથી વાસણો ધોવાની સુવિધા નથી. પરિણામે, કારોબારી ચેરમેન અને પ્રમુખની કેબિનમાં અત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિક કે કાગળના કપમાં ચા પીરસાઈ રહી છે.

સ્પેર મોટર પણ નથી: અધિકારીઓની લાચારી કે બેદરકારી?

જ્યારે કારોબારી ચેરમેને આ ગંભીર મુદ્દે અધિકારીઓનો ઉધડો લીધો, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, અત્યારે કચેરી પાસે કોઈ એક્સ્ટ્રા મોટર ઉપલબ્ધ નથી. આ સાંભળીને ચેરમેન લાલચોળ થઈ ગયા હતા.

આ પણ વાંચો: કીર્તિ પટેલને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાઈ, કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચતા જ રડવા લાગી

ચેરમેને અધિકારીઓને ખખડાવતાં કહ્યું હતું કે, "આપણે આખા જિલ્લાની ગ્રામ પંચાયતોને પાણીની ઈલેક્ટ્રિક મોટરો પૂરી પાડીએ છીએ, અને આપણી જ ઑફિસમાં મોટર બળી જાય ત્યારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી? આ કેવો વહીવટ?"