Gujarat

પાલનપુર દુષ્કર્મ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવાઇ

By GS Team
4 Mar 20202 mins read
This article was originally published on 4 Mar 2020
પાલનપુર દુષ્કર્મ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવાઇ

પાલનપુર તા. 0૩ માર્ચ 2020, મંગળવાર

પાલનપુરમાં રેલવે પોલીસ સ્ટેશન નજીક અજાણ્યા નરાધમે એક ચાર વર્ષીની માસુમ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારતા પીડિત બાળકી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. ત્યારે આ બાળકીને ન્યાય આપવા માટે આરોપી ને સત્વરે ઝડપી પાડીને તેને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે વિવિધ સંગઠનો દ્વારા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે.આ કેસમાં રેલવે પોલીસને કોઇ કડી ન મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવામાં આવી છે. અત્યાર સુધી ૭૦ શંકમંદોની પુછપરછ હાથ ધરાઇ છે.

પાલનપુરમાં સોમવારે બપોરના સમયે રેલવે સ્ટેશન પર રમતી એક ચાર વર્ષની બાળકીને અજાણ્યો નરાધમ લલચાવી ફોસલાવી ને તેને રેલવે પોલીસ સ્ટેશન નજીક આવેલ અવાવરૃં રેલવે કવાર્ટરમાં લઇ ગયો હતો. જ્યાં બાળકી સાથે રેપ કરવામાં આવતા બાળકી લોહી લુહાણ હાલતમાં બેભાન થઇ જતા નરાધમ ભાગી છુટયો હતો. જોકે રેપનો ભોગ બનેલ બાળકી બેભાન અવસ્થામાં એક ઝાડ નીચે થી મળી આવતા તેને સારવાર અર્થે સીવીલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત નાજુક જણાતા તેને અમદાવાદ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. જ્યાં બાળકી હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. જો આ ઘટનાને ૩૦ કલાકનો સમય વીતવા છતાં પોલીસ આરોપીને પકડવામાં હવામાં હવાતિયાં મારી રહી હોય લોકોમાં રોષની લાગણી છવાઇ છે. ત્યારે પીડિત બાળકીને ન્યાય અપાવવા માટે પાલનપુરમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અને નિસ્વાર્થ સેવા સંગઠન દ્વરા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં બાળકી ના દોષી ને વહેલી તકે ઝડપી પાડી તેને સખતમાં સખત સજા કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.