Gujarat

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો...', ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સને ધમકાવ્યાનો દાવો

By GS TEAM
11 Apr 20262 mins read
TukuTouch Logo
આઈબીના રિપોર્ટમાં જણાવાયું હતું કે, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર સ્થાનિક પ્રશ્નો અને શાસક પક્ષની અધૂરી કામગીરીને લઈને થતી પોસ્ટથી નકારાત્મક પ્રચાર થઈ શકે તેમ છે. આ અહેવાલને આધારે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ઈન્ફલ્યુઅન્સરોને વ્યક્તિગત રીતે બોલાવી તેમની પોસ્ટનું રિવ્યુ કર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો...', ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સને ધમકાવ્યાનો દાવો
 AI IMAGE

Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય ગરમાવો ધીરે ધીરે વધવા લાગ્યો છે. ત્યારે અમદાવાદમાં સોશિયલ મીડિયા ઈન્ફલ્યુઅન્સરોને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ના રિપોર્ટ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા શહેરના જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફલ્યુઅન્સર્સને બોલાવીને સરકારની તરફેણમાં પોસ્ટ કરવા, સરકારી યોજનાઓ અને સરકાર તરફી વીડિયો જ મુકવા માટે ગર્ભિત ધમકી અપાઇ હતી. ઉપરાંત વિપક્ષની ટીકા કરવા અથવા તો વિપક્ષ દ્વારા કે સ્થાનિકો દ્વારા થતા વિરોધને ન દર્શાવવા માટે આડકતરી રીતે દબાણ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે.

આઇબીના રિપોર્ટ બાદ તંત્ર સક્રિય

આઈબીના રિપોર્ટમાં જણાવાયું હતું કે, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર સ્થાનિક પ્રશ્નો અને શાસક પક્ષની અધૂરી કામગીરીને લઈને થતી પોસ્ટથી નકારાત્મક પ્રચાર થઈ શકે તેમ છે. આ અહેવાલને આધારે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ઈન્ફલ્યુઅન્સરોને વ્યક્તિગત રીતે બોલાવી તેમની પોસ્ટનું રિવ્યુ કર્યું હતું. તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે, સરકારને નુકસાન પહોંચાડે તેવું કન્ટેન્ટ ન મૂકવું, પરંતુ તેના બદલે સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસકામોની પોસ્ટ શેર કરવી.

આ પણ વાંચો :હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનું ખતરો વધ્યો

જો અમારુ નહી માનો તો રોજગારી ગુમાવશો

સૌથી ગંભીર બાબત એ છે કે, જે ઈન્ફલ્યુઅન્સરોએ આ બાબતે અસંમતિ દર્શાવી તેમને ધમકી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ અધિકારીઓએ તેમને ચેતવણી આપી હતી કે જો તેઓ વાત નહીં માને તો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને યુટ્યુબ ચેનલો પર સ્ટ્રાઈક આપીને તેને બ્લોક કે બંધ કરાવી દેવામાં આવશે. ઓનલાઈન પ્લેટફોર્મ બંધ થઈ જવાની બીકે મોટાભાગના ઈન્ફલ્યુઅન્સરોએ પોલીસની શરતો સ્વીકારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચૂંટણી ટાણે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર અંકુશ મેળવવાનો આ પ્રયાસ સોશિયલ મીડિયા જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.