Get The App

હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો 1 - image


Hormuz Crisis: ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈરાન ઈચ્છવા છતાં પણ હાલમાં હોર્મુઝના દરિયાઈ માર્ગને સંપૂર્ણપણે ખોલી શકે તેમ નથી. આ પાછળનું મુખ્ય કારણ ઈરાન દ્વારા જંગ દરમિયાન બિછાવવામાં આવેલી દરિયાઈ સુરંગો (Sea Mines) છે, જેની ચોક્કસ લોકેશનની જાણકારી હવે ખુદ ઈરાન પાસે પણ નથી.

શા માટે સર્જાયું છે આ ટેકનિકલ સંકટ?

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ઈરાને ગત મહિને યુદ્ધ દરમિયાન નાના જહાજો દ્વારા અસ્તવ્યસ્ત રીતે માઈન્સ બિછાવી હતી. આ પ્રક્રિયા વ્યવસ્થિત ન હોવાને કારણે ઘણી માઈન્સનું લોકેશન રેકોર્ડ કરવામાં આવ્યું નહોતું. વધુમાં, દરિયાઈ પ્રવાહોને કારણે આ સુરંગો પોતાની જગ્યાએથી વહીને અન્યત્ર ચાલી ગઈ છે. હાલમાં સ્થિતિ એવી છે કે જો ઈરાન જહાજોને નિશાન ન બનાવે તો પણ આ તરતી સુરંગો ગમે ત્યારે મોટા અકસ્માત સર્જી શકે તેમ છે.

ઈરાનની લાચારી અને આંતરરાષ્ટ્રીય સ્થિતિ

મર્યાદિત ક્ષમતા: ઈરાન પાસે આ માઈન્સને શોધવાની અને તેને હટાવવાની ટેકનિકલ ક્ષમતા અત્યંત મર્યાદિત છે.

સંકુચિત કોરિડોર: હાલમાં ઈરાને માત્ર એક સાંકડો અને સુરક્ષિત કોરિડોર જ ખુલ્લો રાખ્યો છે, જ્યાંથી મર્યાદિત જહાજોને પસાર થવાની મંજૂરી અપાઈ રહી છે.

બ્રિટનની ભૂમિકા: જોકે, આ સુરંગોને હટાવવા માટે બ્રિટન પાસે આધુનિક ટેકનોલોજી છે અને તે આ દિશામાં મદદરૂપ થઈ શકે છે.

વૈશ્વિક અર્થતંત્ર પર અસર

હોર્મુઝની સામુદ્રધુની દુનિયાના કુલ તેલ અને LNG પુરવઠાના 20 ટકા હિસ્સા માટે જવાબદાર છે. આ અનિશ્ચિતતાને કારણે તેલના ભાવમાં વધઘટ અને શિપિંગમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ સ્વીકાર્યું છે કે ટેકનિકલ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને જ આ માર્ગ ખોલવામાં આવશે.