Gujarat

ભીડ મેળા અને ઉત્સવમાં મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગ અંતે ઝડપાઇ

By GS TEAM
18 Mar 20262 mins read
ભીડ મેળા અને ઉત્સવમાં મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગ અંતે ઝડપાઇ

અમદાવાદ, બુધવાર

ગુજરાતના વિવિધ શહેરોમાં તેમજ અન્ય રાજ્યોમાં થતા મેળા, ઉત્સવ કે ભીડનો ગેરલાભ લઇને મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગના મુખ્ય આરોપી સહિત ચાર શખ્સોને અમદાવાદ ક્રાઇમબ્રાંચે  રૂપિયા ૧૩ લાખની કિંમતના ૧૦૫ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધા હતા. અત્યાર સુધીમાં આરોપીઓએ  ૪૦૦થી વધુ મોબાઇલ ફોન વેચાણ કર્યા હતા. આ ઉપરાંત, સ્પેરપાર્ટસ કાઢીને સગેવગે કર્યા હતા.

 અમદાવાદના ફ્લાવર શો તેમજ  અમદાવાદ જિલ્લામાં થતા મેળામાં ભીડમાં મોબાઇલ ચોરીના બનાવો વધ્યા હતા. જેથી પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ક્રાઇમબ્રાંચના પીઆઇ દીપક ઢોલાને ચોક્કસ બાતમી મળી હતી કે અમરાઇવાડીમાં આવેલા અજય ટેનામેન્ટમાં રહેતો રણજીતસિંગ તોમર મોબાઇલ ચોરી કરતી ગેંગનો મુખ્ય માસ્ટર માઇન્ડ છે.
જે તેના સાગરિતો પાસેથી મોબાઇલ ચોરી કરાવીને તેને સસ્તામાં ખરીદીને મોબાઇલ ફોન વેચવાની સાથે તેના સ્પેરપાર્ટસ કાઢીને વેચે છે. જેના આધારે વોચ ગોઠવીને રણજીતસિંગ તોમર, મહેશ દંતાણી, હર્ષદ મારૂ અને સુમન દંતાણીને ઝડપીને તેમની પાસેથી  ૧૩ લાખની કિંમતના ૧૦૫ જેટલા મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા.

આ અંગે વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે રણજીતસિંગ અગાઉ મોબાઇલ ફોન રીપેરીંગનું કામ કરતો હતો. પરંતુ, છેલ્લાં ચાર વર્ષથી તે મોબાઇલ ચોરીનું કૌભાડ ચલાવતો હતો. જેમાં તે તેના માટે કામ કરતા ત્રણ આરોપીઓેને અલગ અલગ સ્થળે મોકલીને ભીડમાંથી મોબાઇલ ચોરી કરાવીને તેમની પાસેથી સસ્તામાં ખરીદીને વેચાણ કરતો હતો. તેણે ચાર વર્ષ દરમિયાન ૬૦ લાખની ઉપરની કિંમતના ૪૦૦થી વધુ મોબાઇલ ફોન વેચાણ કર્યા હતા. જેમાં તે અન્ય રાજ્યોમાં ચોરીના મોબાઇલ સપ્લાય કરતો હતો.