Gujarat

કમિશનની લાલચ આપીને મ્યૂલ એકાઉન્ટ- સીમ કાર્ડ મેળવવાનું કૌભાંડ

By GS TEAM
8 Mar 20262 mins read
કમિશનની લાલચ આપીને મ્યૂલ એકાઉન્ટ- સીમ કાર્ડ મેળવવાનું કૌભાંડ

અમદાવાદ, રવિવાર

વી એસ હોસ્પિટલમાં આવતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ તેમના સગાને નાણાંની લાલચ આપીને તેમના આધારકાર્ડ સહિતના દસ્તાવેજોના આધારે મ્યૂલ એકાઉન્ટ ખોલવાની સાથે સીમકાર્ડ ખરીદીને ચાઇનીઝ ગેંગ દ્વારા પડાવવામાં આવતા નાણાંની હેરફેર કરવામાં મદદ કરતી ટોળકીને મુખ્ય સાગરિતને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો હતો. આરોપીની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે  તેની સાથે સમગ્ર ગુજરાત અને મુંબઇમાં અનેક લોકો સંકળાયેલા હતા. જેમાં કેટલીક યુવતીઓનો પણ હતી. આ સમગ્ર કૌભાંડ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે  સાયબર ક્રાઇમના લગતા ગુનામાં નાણાંની હેરફેર કરવા માટે અને સીમકાર્ડ અપાવતી ગેગનો મુખ્ય સાગરિત રેહાન ભુરાણી નામનો વ્યક્તિ વી એસ હોસ્પિટલ પાસે ઉભો છે. જે તેની ગેગંના અન્ય સાગરિતોની મદદથી જરૂરિયાતમંદ, ગરીબ વ્યક્તિઓને કમિશનની લાલચ આપીને તેમના ડોક્યુમેન્ટ મેળવીને  બેંક એકાઉન્ટને લગતી પાસબુક, ચેકબુક લેવા માટે આવ્યો છે. જેના આધારે શનિવારે સાંજે પોલીસે દરોડો પાડીને રેહાન ભુરાણી (રહે.ગુલુભાઇ ભુરાણીની વાડી,તળાજા, ભાવનગર)ને ઝડપી લીધો હતો. તપાસ કરતા તેની પાસેથી અન્ય લોકોના નામની ચાર ચેક બુક, બે ડેબિટ કાર્ડ મળી આવ્યા હતા. જે અન્ય લોકોના નામે હતા. પોલીસે આકરી પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેના મળતિયાઓની સાથે મળીને ચાઇનીઝ ગેંગ માટે મ્યૂલ એકાઉન્ટ ખોલવાનું અને સીમ કાર્ડ ખરીદી કરવાનું કામ કરે છે.

જેમાં તે વત્સલ પટેલ (નહેરૂનગર,અમદાવાદ), ઇમરાન (જુહાપુરા), મુસ્તુફા , અસદ અને યાસીન (રહે. ભાવનગર)., કોમલ ( આણંદ), જયેશ અને ઋષભ (રહે. મુંબઇ) સાથે મળીને વી એસ હોસ્પિટલ તેમજ અન્ય શહેરોની સરકારી હોસ્પિટલમાં જઇને ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ અને તેના સગાઓને ટારગેટ કરીને તેમને ૧૦ હજાર રૂપિયા સુધીના કમિશનની લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલવા માટે તેમના ડોક્યુમેન્ટ મેળવતા હતા. તેમજ આધાર કાર્ડના આધારે સીમ કાર્ડ પણ મેળવતા હતા.  અન્ય વ્યક્તિના નામે ખોલેલા બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાની હેરફેર થતી હતી.  રેહાન આ મોડ્સ ઓપરેન્ડીથી ખુબ મોટાપ્રમાણમાં બેંક એકાઉન્ટ અને સીમ કાર્ડ લઇ ચુક્યો હતો.  ચાઇનીઝ ગેંગ દ્વારા તેને નાણાંકીય વ્યવહારમાં એક થી બે ટકા સુધીનું કમિશન આપવામાં આવતુ હતુ અને તેણે અત્યાર સુધી લાખો રૂપિયા બનાવ્યા હતા. આ સમગ્ર કૌભાંડ અંગે ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે.