Gujarat

VIDEO: અમદાવાદમાં એકલા રહેતા વૃદ્ધાની હત્યા, લૂંટારુઓએ મૃતદેહ પાસે બેસી એક કલાક લૂંટ ચલાવી

By GS TEAM
4 Mar 20262 mins read
TukuTouch Logo
છારાનગર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય ભારતીબેન બજરંગી લાંબા સમયથી પોતાના ઘરમાં એકલા રહેતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે ત્રણ જેટલા અજાણ્યા શખ્સો લૂંટના ઈરાદે તેમના ઘરમાં પ્રવેશ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: અમદાવાદમાં એકલા રહેતા વૃદ્ધાની હત્યા, લૂંટારુઓએ મૃતદેહ પાસે બેસી એક કલાક લૂંટ ચલાવી

Ahmedabad News : ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી છારાનગર ફ્રી કોલોનીમાં મોડી રાત્રે તસ્કરોએ લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસી એક વૃદ્ધાની હત્યા કરી નાખી છે. આ ઘટનામાં તસ્કરોની ક્રૂરતા એટલી હતી કે, હત્યા કર્યા બાદ પણ તેઓએ લગભગ એક કલાક સુધી ઘરમાં રહીને સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી.


શું છે સમગ્ર ઘટના?

છારાનગર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય ભારતીબેન બજરંગી લાંબા સમયથી પોતાના ઘરમાં એકલા રહેતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે ત્રણ જેટલા અજાણ્યા શખ્સો લૂંટના ઈરાદે તેમના ઘરમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ સૌ પ્રથમ વૃદ્ધાના પગ બાંધી દીધા હતા અને ત્યારબાદ તેમનું મોઢું દબાવીને અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી હતી. વૃદ્ધાના મોઢાના ભાગે ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા છે, જે દર્શાવે છે કે લૂંટારુઓએ તેમને પ્રતિકાર કરવાની તક પણ આપી નહોતી.

આ પણ વાંચો : ગુજરાતના 9 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન, હવામાન વિભાગે 3 દિવસ જાહેર કર્યું યલો એલર્ટ

હત્યા બાદ એક કલાક સુધી ચલાવી લૂંટ

પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, હત્યા કર્યા પછી પણ તસ્કરોમાં કોઈ પણ પ્રકારનો ડર નહોતો. તેઓએ મૃતદેહ પાસે જ રહીને આખું ઘર ફંફોસ્યું હતું. ઘરની તિજોરી તોડીને અંદર રહેલા સોનાના દાગીના અને રોકડ રકમની લૂંટ કરી હતી. આશરે એક કલાક સુધી ઘરમાં રોકાયા બાદ તસ્કરો તમામ કિંમતી સામાન લઈને અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે જ્યારે એક પાડોશી ત્યાંથી પસાર થયો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોઈ અંદર તપાસ કરતા આખી ઘટના સામે આવી હતી.

પોલીસ તપાસનો ધમધમાટ

ઘટનાની જાણ થતા જ સરદારનગર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. એફએસએલ (FSL) અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે, જેમાં ત્રણ શંકાસ્પદ શખ્સોની હિલચાલ કેદ થઈ છે. હાલમાં પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. આ ઘટનાને પગલે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધોની સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.