Gujarat

ફેક 'કેનેડિયન યુવતી' ના પ્રેમજાળમાં ફસાયો અમદાવાદનો વેપારી, 1.10 કરોડ કરોડની છેતરપિંડી

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
ચાંદખેડાના 51 વર્ષીય વેપારીએ પત્નીના અવસાન બાદ પુનર્લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રોફાઈલ બનાવ્યું. કેનેડાની યુવતીએ ફાર્માસ્યુટિકલ રૉ-મટીરિયલમાં ઊંચા નફાની લાલચ આપી. વેપારી પાસેથી રૂ.1.10 કરોડ પડાવી લીધા. પૈસા મેળવ્યા બાદ સંપર્ક ના થતા, સાયબર ફ્રોડ થયો હોવાની જાણ થઈ. આફ્રિકન ગેંગની આ મોડસ ઓપરેન્ડી અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફેક 'કેનેડિયન યુવતી' ના પ્રેમજાળમાં ફસાયો અમદાવાદનો વેપારી, 1.10 કરોડ કરોડની છેતરપિંડી

Ahmedabad Crime News : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક આધેડ વેપારી સાથે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મેટ્રિમોનિયલ સાઇટ પર કેનેડાની યુવતી બનીને વેપારીને પ્રેમજાળમાં ફસાવી ફાર્માસ્યુટિકલ રો-મટીરિયલમાં ઊંચા નફાની લાલચ આપી રૂ.1.10 કરોડની સાયબર ઠગાઈ કરવામાં આવી. પત્નીના અવસાન બાદ ફરી લગ્ન કરવા માટે પ્રોફાઇલ બનાવનાર વેપારી પાસેથી ગઠિયાઓએ અલગ-અલગ 24 ટ્રાન્ઝેક્શન દ્વારા મસમોટી રકમ પડાવી લીધી હતી. આંગડિયા અને બેંક એકાઉન્ટમાં પૈસા જમા થયા બાદ સંપર્ક તૂટી જતાં ભોગ બનનારને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ હતી, જે બાદ તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લગ્નની સંમતિ આપી વિશ્વાસ કેળવ્યો

ચાંદખેડામાં રહેતા 51 વર્ષીય આધેડ મશીનરી એક્સપોર્ટનો વેપાર કરે છે. પત્નીના અવસાન બાદ તેમણે આશરે આઠ મહિના પહેલા બીજા લગ્ન માટે એક ગુજરાતી મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રોફાઇલ બનાવ્યું હતું. આ દરમિયાન તેમનો સંપર્ક કેનેડાની એક યુવતી સાથે થયો હતો. આ યુવતીએ પોતે મૂળ દિલ્હીની હોવાનું અને હાલ ટોરેન્ટો ખાતે 'નોવા મેડિકલ લેબ્સ'માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી હોવાનું જણાવી લગ્ન માટે સંમતિ દર્શાવી હતી.

રો-મટીરિયલમાં મોટા નફાની લાલચ આપી ઠગાઈ

ત્યારબાદ વેપારીનો ગાઢ વિશ્વાસ કેળવીને યુવતીએ જણાવ્યું હતું કે, તેની કેનેડિયન કંપનીને દવાના રો-મટીરિયલ 'નડાલા બી રૂટ'ની મોટા પાયે જરૂરિયાત છે. તેણે ભારતના સસ્તા સપ્લાયર તરીકે 'ભારતી ફાર્મા'ના મહેરાબ નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો હતો. શરૂઆતમાં સપ્લાયર પાસેથી રૂ.2.50 લાખમાં સેમ્પલ ખરીદીને કેનેડાની કંપનીને રૂ.4.50 લાખમાં વેચી ઊંચો નફો મેળવવાની લાલચ આપી હતી.

મિત્રો પાસેથી ઉછીના નાણાં મેળવી 24 ટ્રાન્ઝેક્શન કર્યા

સેમ્પલ બાદ મોટો ઓર્ડર મળ્યો હોવાનું કહીને ગઠિયાઓએ મોટી રકમની માગણી કરી હતી. વેપારીએ વિશ્વાસમાં આવીને પોતાના મિત્રો અને પરિચિતો પાસેથી રૂ.1.10 કરોડ મેળવીને યુવતી તથા તેના સાગરીતોએ આપેલા ચાર અલગ-અલગ એકાઉન્ટ્સમાં 24 ટ્રાન્ઝેક્શન મારફતે રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. પૈસા જમા થઈ ગયા બાદ યુવતીનો મોટો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો. છેતરપિંડીનો અહેસાસ થતાં જ આધેડે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર સંપર્ક કરી કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.

સાયબર એક્સપર્ટ્સના મતે, આ પ્રકારની ઠગાઈની પદ્ધતિ 'નાઇજિરિયન / આફ્રિકન ફ્રોડ સિન્ડિકેટ' ની પેટર્ન સાથે મળતી આવે છે. આ ગેંગ મેટ્રિમોનિયલ સાઇટ પરથી ફરી લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા કે આર્થિક રીતે સધ્ધર લોકોને ટાર્ગેટ કરે છે. બોગસ કેમિકલ અથવા આયુર્વેદિક રો-મટીરિયલના નામે સ્થાનિક સપ્લાયર અને વિદેશી ખરીદદાર - બંને બાજુ પોતાની જ ગેંગના સભ્યો ગોઠવે છે. ભોગ બનનારને વાસ્તવિકતા લાગે તે માટે ભારતના મેટ્રો સિટી કે એરપોર્ટ પર વિદેશી નાગરિકને રૂબરૂ મોકલીને સેમ્પલિંગનું નાટક રચી કરોડો રૂપિયા પડાવી લે છે.