Gujarat

મેમનગરમાં ઓફિસ અપાવવાનું કહીને રૂ.૩.૨૪ કરોડ પડાવીને છેતરપિંડી

By GS TEAM
3 Mar 20262 mins read
મેમનગરમાં ઓફિસ અપાવવાનું કહીને રૂ.૩.૨૪ કરોડ પડાવીને છેતરપિંડી

અમદાવાદ,સોમવાર

મેમનગર માનવ મંદિર પાસે કોમર્શીયલ સ્કીમ લોંચ કરીને બિલ્ડીંગના સાતમાં માળે સાત ઓફિસ અપાવવાનું કહીને યુવક પાસેથી ૩.૨૪ કરોડ રૂપિયા લઇને બે બિલ્ડર સહિત ચાર લોકોએ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે.

વસ્ત્રાપુર સુરેલ બંગ્લોઝમાં રહેતા જશ ભાટીયાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  તે જમીન લે-વેચનું કામ કરતા હોવાથી તેમના વ્યવસાય સાથે સંકળાયેલા મનીષ રાઠોડ (રહે. પુષ્પક  પ્લેટિનિયમ, ઇસ્કોન-આંબલી રોડ) સાથે પરિચય હતો. થોડા મહિનાઓ પહેલા તે સેટેલાઇટમાં એક કોફીશોપમાં મનીષ રાઠોડ દ્વારા પ્રતિક કેજરીવાલ અને નિકીન પટેલને મળ્યા હતા. બંને જણાએ જણાવ્યંા હતું કે તેમના દ્વારા માનવ મંદિર મેમનગર ખાતે સહદેવ કેપીટોલ નામની સ્કીમ શરૂ કરવામાં આવી છે.

જેમાં સારૂ વળતર છે. જેથી જશ ભાટીયાએ સ્કીમના સાતમાં માળે સાત ઓફિસ બુક કરાવીને ૪.૭૭ કરોડમાં વેચાણે રાખવાનું નક્કી કર્યું હતું. બીજી તરફ જશ ભાટીયાને મનીષ રાઠોડ પાસેથી ત્રણ કરોડ લેવાના નીકળતા હોવાથી નક્કી થયા મુજબ તેણે બિલ્ડરને ત્રણ કરોડ આપી દેવાની ખાતરી આપી હતી અને ૧૦ લાખ રૂપિયા ટોકન તેમજ ત્રણ કરોડ જમા કરાવ્યા હતા. ત્યારબાદ ૧.૭૭ કરોડની રકમ બાકી રહેતી હતી. બીજી તરફ પ્રતિક કેજરીવાલ અને નિકીન પટેલે બીયુ પરમીશન આવતા દસ્તાવેજ કરી આપવાની ખાતરી આપી હતી. પરંતુ, તેમ છતાંય, દસ્તાવેજ ન કરી આપીને ૩.૨૪ કરોડ  જેટલી રકમ લઇને છેતરપિંડી કરી હતી. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.