અમદાવાદઃ વૃદ્ધનું અપહરણ કરીને મોતને ઘાટ ઉતારનારા આરોપીઓ પકડાયા

- એક અહેવાલ પ્રમાણે 52 વર્ષીય આધેડનું મોબાઈલ ચોરીની આશંકાએ રીક્ષામાં બેસાડીને અપહરણ કરવામાં આવ્યું હતું
અમદાવાદ, તા. 19 માર્ચ 2022, શનિવાર
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતા વૃદ્ધનું અપહરણ કરીને તેમને જીવલેણ ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારનારા 4 અજાણ્યા પરપ્રાંતિય ઈસમોની અટકાયત કરવામાં આવી છે. શુક્રવારે એટલે કે, તા. 18 માર્ચ 2022ના રોજ સવારે 7:00 કલાકે રખિયાલ અજીતમીલ શમ્સ સ્કુલમાં પટાવાળા તરીકે નોકરી કરતા મોહમંદ હુસૈન બાઉદીનભાઈ શેખનું અપહરણ કરવામાં આવ્યું હતું.
સવારના સમયે અજાણ્યા શખ્સોએ રખિયાલ યશ પ્લાઝા ખાતે મોહમંદ હુસૈનભાઈ સાથે બોલાચાલી કરીને તેમનું અપહરણ કર્યું હતું. તેમણે વૃદ્ધને માર માર્યો હતો અને ઈલેક્ટ્રીક કરંટ આપીને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં જ મૃત્યુનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા 4 પરપ્રાંતિય આરોપીઓની અટકાયત કરી હતી. આરોપીઓના નામ મોહમદસીતારે ઉર્ફે ગોલ્ડન (ઉં. 24), મોહમદ તોહીદ (ઉં. 19), શમીમઅહેમદ તુફેલઅહેમદ અંસારી (ઉં. 23) અને આઝાદ શેખ (ઉં. 28) છે. પોલીસે આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
એક અહેવાલ પ્રમાણે 52 વર્ષીય આધેડનું મોબાઈલ ચોરીની આશંકાએ રીક્ષામાં બેસાડીને અપહરણ કરવામાં આવ્યું હતું. પરિવારજનોને તેઓ નૂતન સ્કુલ પાસે ઈજાગ્રસ્ત સ્થિતિમાં મળી આવ્યા હતા. હોસ્પિટલમાં લઈ જતાં તેઓ મોતને ભેટ્યા હતા. તેમના શરીર પર કરંટ આપીને માર મારવામાં આવ્યો હોવાથી મૃત્યુ થયું હતું.




