અમદાવાદના રાણીપમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી યુવકની હત્યા, જૂની અદાવતમાં ખેલાયો લોહિયાળ ખેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં 15મી ઓગસ્ટની મોડી રાત્રે યુવકની જાહેરમાં હત્યા કરાયાની ઘટના સામે આવી હતી. RTO ચાર રસ્તા નજીક 37 વર્ષીય અજય સાલ્વી નામના યુવક પર વિશાલ ચૌહાણ અને તેના 8થી 10 જેટલા સાગરીતોએ તલવાર અને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો સાથે અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ અજયની પીઠમાં 15થી વધુ ઊંડા ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેના પેટના આંતરડા પણ બહાર આવી ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
જૂની અદાવતમાં યુવકની હત્યા
મળતી માહિતી અનુસાર, આ હત્યા પાછળ જૂની અદાવત હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. થોડા સમય પૂર્વે આરોપીઓ અને મદ્રાસી સમાજના કેટલાક લોકો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ વિવાદમાં મૃતક અજયે વચ્ચે પડીને મદ્રાસી સમાજના લોકોનો પક્ષ લીધો હતો અને આરોપીઓનો વિરોધ કર્યો હતો. આ જ બાબતની અદાવત રાખીને આરોપીઓ અજયને પતાવી દેવાની તલાશમાં હતા. ગઈકાલે રાત્રે મોકો મળતાં જ હથિયારોથી ટોળાએ યુવકને આંતરીને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
પોલીસે સીસીટીવી આધારે તપાસ શરૂ કરી
હત્યાની જાણ થતાં જ રાણીપ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ઘટના પાછળના કારણો જાણવા તેમજ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરીને અને મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધીને તપાસ શરૂ કરી છે.









