Ahmedabad BRTS Accident : અમદાવાદના જશોદાનગરથી સીટીએમ તરફ જતા BRTS કોરિડોરમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. પ્રતિબંધિત હોવા છતાં ટ્રેકમાં ઘૂસેલા એક મોપેડ ચાલકને પાછળથી આવતી BRTS બસે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાની સાથે જ યુવક તેના વાહન સાથે અંદાજે 50થી 60 ફૂટ સુધી રોડ પર ઢસડાયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે જેના કારણે મોપેડનું આગળનું ટાયર પણ ફંગોળાઈને નીકળી ગયું હતું.
મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં મોપેડ ચાલક યુવકે હેલ્મેટ પહેર્યું ન હોવાથી તેના માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને જોઈ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું હતું. જોકે હવે સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરાયો હતો.
આ ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં બીઆરટીએસ ટ્રેકમાં ખાનગી વાહનો ચલાવવા પર સખત મનાઈ હોવા છતાં, ટૂંકો રસ્તો કાપવાની લાલચમાં અનેક વાહનચાલકો જીવના જોખમે ટ્રેકમાં ઘૂસતા હોય છે. ટ્રેકમાં આ પ્રકારની બેદરકારીને કારણે અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતો નોંધાયા છે.


