Get The App

અમદાવાદમાં મેચ જોયા બાદ માસૂમ બાળકોને રિક્ષામાં ઘેટાં-બકરાંની જેમ ભરીને લઈ જવાયા

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં મેચ જોયા બાદ માસૂમ બાળકોને રિક્ષામાં ઘેટાં-બકરાંની જેમ ભરીને લઈ જવાયા 1 - image


Ahmedabad News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના સંચાલકોની માનવતા અને નિયમોને નેવે મૂકતી એક ઘટના સામે આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ બતાવવા ગયેલા માસૂમ બાળકોને પરત લાવતી વખતે રિક્ષાઓમાં ખીચોખીચ ભરીને તેમના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હતા.

નિયમોના ઉડ્યા ધજાગરા!

બુધવારે (18 ફેબ્રુઆરી) મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના બાળકોને શૈક્ષણિક પ્રવાસ અને મનોરંજનના ભાગરૂપે ક્રિકેટ મેચ બતાવવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લઈ જવામાં આવ્યા હતા. મેચ પૂર્ણ થયા બાદ પરત ફરતી વખતે. એક જ રિક્ષામાં ક્ષમતા કરતા અનેકગણા વધારે બાળકોને ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. રિક્ષાની બહાર લટકતા અને એકબીજા પર દબાયેલા બાળકોના દ્રશ્યોએ રસ્તા પરથી પસાર થતા લોકોમાં ફફડાટ ફેલાવ્યો હતો. જવાબદાર શિક્ષકો અને શાળાના સંચાલકોની હાજરી હોવા છતાં બાળકોને આવી રીતે મુસાફરી કરાવાઈ હતી.

આ પણ વાંચો: 'ઘોડા પર ચડે તો કેટલાકને તકલીફ પડે છે, હવે હાથી પર વરઘોડો કાઢીશું!', સમૂહ લગ્નમાં પોલીસ કોન્સ્ટેબલનો હુંકાર

વીડિયો વાઈરલ થતા લોકોમાં રોષ

સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાઈરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. લોકો આરોપ છે કે શિક્ષણ સમિતિ બાળકોની સુરક્ષાને લઈને આટલી બેદરકાર કેવી રીતે હોઈ શકે? જો રસ્તામાં કોઈ નાની-મોટી દુર્ઘટના સર્જાઈ હોત, તો તેની જવાબદારી કોની હોત?

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે શાળાના વાહનોમાં સુરક્ષા અને ઓવરલોડિંગને લઈને કડક નિયમો બનાવ્યા છે, ત્યારે સરકારી સંચાલિત શાળાઓ જ આ નિયમોનું ઉલ્લંઘન કરે તે ગંભીર બાબત છે.