Get The App

VIDEO | ‘ઘોડા પર ચડીએ તો કેટલાકને તકલીફ પડે છે, હવે હાથી પર વરઘોડો કાઢીશું!', સમૂહ લગ્નમાં કોન્સ્ટેબલનું નિવેદન

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
Police constable


Ahmedabad News : અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીમરાવ વાંચનાલય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત 15 ફેબ્રુઆરી, 2026ના રોજ સમૂહ લગ્ન યોજાયા હતા. આ સામાજિક કાર્યક્રમમાં શહેરના રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કેતન પરમારે સ્ટેજ પરથી કોઈ રાજકીય નેતાની શૈલીમાં આક્રમક ભાષણ આપ્યું હતું. જિજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનોની હાજરીમાં પોલીસકર્મીએ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો સામે સ્ટેજ પરથી ખુલ્લો પડકાર ફેંક્યો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

'હવે ઘોડા નહીં, હાથી પર વરઘોડો કાઢીશું'

ભાષણ દરમિયાન કેતન પરમારે તાજેતરમાં બનેલી દલિત સમાજના વરઘોડા રોકવાની ઘટનાઓનો ઉલ્લેખ કરતા રોષ ઠાલવ્યો હતો. તેમણે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, 'અમે કોઈ સમાજ વિરુદ્ધ નથી, પણ જો અમારો માણસ પોતાના પૈસે ઘોડે ચઢે તો તલવાર લઈને નીકળી આવનારાને શું તકલીફ છે?'


જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને ધ્યાનમાં રાખીને તેમણે કહ્યું કે, 'જો કોઈનામાં તાકાત હોય તો BVCTના વરઘોડા રોકી બતાવે. આગામી સમયમાં હવે માત્ર ઘોડા જ નહીં, પણ 11 હાથીઓ પર વરઘોડિયાને બેસાડીશું.'

આ પણ વાંચો: PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, ટૂંક સમયમાં આવશે શારીરિક કસોટીનું રિઝલ્ટ

સમગ્ર મામલે કેતન પરમારે સ્પષ્ટતા કરી હતી કે તેઓ છેલ્લા 4 વર્ષથી આ ટ્રસ્ટના માધ્યમથી સમૂહ લગ્નનું આયોજન કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આ સંબોધન કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમાજ વિરુદ્ધમાં નથી, પરંતુ માત્ર એવા લોકો માટે છે જેઓ આજે પણ જાતિવાદી માનસિકતા ધરાવે છે અને દલિત સમાજની પ્રગતિ કે તેમના રીત-રિવાજો સામે અવરોધ ઊભો કરે છે. જોકે, એક જવાબદાર પોલીસકર્મી દ્વારા સ્ટેજ પરથી આ પ્રકારની આક્રમક ભાષા અને પડકારજનક લહેકાનો ઉપયોગ કરવામાં આવતા પોલીસ બેડામાં પણ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.