Get The App

સમાના વૃધ્ધ દંપતીને લૂંટ્યા બાદ લૂંટારાઓએ છાણીની ઓફિસમાં તરત જ ભાગ પાડી લીધા

કાશ્મીરનાે સૂત્રધાર મુદસીર વતનમાં ભાગે તે પહેલાં પકડાઇ ગયો

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
સમાના વૃધ્ધ દંપતીને લૂંટ્યા બાદ લૂંટારાઓએ છાણીની ઓફિસમાં તરત જ ભાગ પાડી લીધા 1 - image

વડોદરાઃ સમાના સંતોષીનગરમાં ધોળે દિવસે વૃધ્ધ દંપતીને બંધક બનાવી લૂંટી લીધા બાદ એક જ કલાકમાં લૂંટારાઓએ લૂંટેલી રોકડ અને દાગીનાના ભાગ પાડી લીધા હતા.મુખ્ય સૂત્રધાર કાશ્મીરના વતને પહોંચે તે પહેલાં જ પોલીસે દબોચી લીધો હતો.

સમાના સંતોષી નગરમાં રહેતા ટીપી રાધાકૃષ્ણન અને તેમના પત્ની ઘરમાં હતા ત્યારે બે લૂંટારાઓએ તેમને વોટ કિયા યા નહિ..તેમ કહી બંધક બનાવીને રોકડ તેમજ દસ તોલાના દાગીના લૂંટી ફરાર થઇ ગયા હતા.

ફતેગંજ પોલીસે આ બનાવમાં ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર એવા કાશ્મીરના વતની મુદસીર અહેમદ ઉર્ફે વાહિદ નિસાર અહેમત મીર(બારામુલ્લા) તેની સાથે લૂંટ માટે મકાનમાં ગયેલા બલકારસિંગ અને સ્કૂટર લઇ બહાર ઉભેલા બલવીન્દરસિંગ સંધુને ઝડપી પાડયા હતા.

પોલીસે ત્રણેયને સોમવાર સુધીના રિમાન્ડ પર લેતાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.જેમાં લૂંટ કર્યા બાદ ત્રણેય જણા છાણી જકાતનાકા ખાતે બલવિન્દરની ઓફિસે ગયા હતા અને ત્યાં લૂંટની ભાગબટાઇ કરી હતી.જેમાં મુદસરને ભાગે રોકડા રૃ.૨૦ હજાર અને બે એટીએમ તેમજ ચેઇન આવ્યા હતા.જ્યારે,બલકારસિંગે છ  બંગડી,એક પાટલો,બે વિંટી અને રોકડા રૃ.૧૫હજાર લીધા હતા.

બલવિન્દરને ભાગે રોકડા રૃ.૨૭હજાર અને યુએસ ડોલર આવ્યા હતા.જ્યારે  બાકીની ચીજોનો ભાગ પછી પાડવાનું નક્કી કર્યું હતું.

ATM કાર્ડનો ઉપયોગ કરી મુદસીરે આણંદથી મોબાઇલ ખરીદ્યો

વૃધ્ધ દંપતીને લૂંટી લીધા બાદ સૂત્રધાર મુદસીર બે એટીએમ કાર્ડ લઇ આણંદ પહોંચ્યો હતો અને ત્યાં તેણે મોબાઇલ,ચાર્જર અને ઇયર બર્ડ ખરીદી રૃ.૧.૪૨ લાખનું પેમેન્ટ કર્યું હતું.ત્યારબાદ તે ચોકસીને ત્યાં વિંટી ખરીદવા ગયો હતો.રૃ.૩૫ હજારની વિંટી પણ પસંદ કરી હતી.પરંતુ ચોકસીએ આઇકાર્ડ માગતા તે તરત જ ખરીદી કર્યા વગર વતન જવા માટે નીકળી ગયો હતો.પરંતુ રસ્તામાં જ પોલીસે આંતરી લીધો હતો.