Gujarat

ગુજરાતમાં મેઘતાંડવ બાદ 14 ડેમ છલકાયા, 21 હાઈ એલર્ટ પર, 5 જ દિવસમાં અછતમાંથી ઉગર્યા જળાશયો

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં 5 દિવસના ભારે વરસાદથી જળસંકટ દૂર થયું છે. રાજ્યના 14 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને 21 હાઈ એલર્ટ પર છે. દક્ષિણ ગુજરાતના 8 ડેમ, જેમાં દમણગંગા, ઝૂઝ અને કેલિયાનો સમાવેશ થાય છે, તે ઓવરફ્લો થયા છે. મોરબીનો મચ્છુ-2 અને ભાવનગરનો શેત્રુંજી ડેમ પણ છલકાયા છે. સરદાર સરોવર ડેમની સપાટી 128.11 મીટર પર પહોંચી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં મેઘતાંડવ બાદ 14 ડેમ છલકાયા, 21 હાઈ એલર્ટ પર, 5 જ દિવસમાં અછતમાંથી ઉગર્યા જળાશયો

Gujarat Dam Overflow News : ગુજરાતમાં છેલ્લા 5 દિવસના સાર્વત્રિક વરસાદ (મેઘમહેર) બાદ જળ પરિસ્થિતિનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. થોડા દિવસો પહેલાં સુધી વરસાદની અછત અને પાણીની ચિંતાનો સામનો કરી રહેલું રાજ્ય હવે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. છેલ્લા 120 કલાકમાં રાજ્યના જળાશયોમાં 750 મિલિયન ક્યુબિક મીટરથી વધુ પાણીની આવક નોંધાઈ છે, જેના કારણે 14 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને 21 ડેમ હાઈ એલર્ટ પર આવી ગયા છે. આ સાથે રાજ્યનો મોસમી સરેરાશ વરસાદ વધીને 52 ટકા સુધી પહોંચી ગયો છે.

દક્ષિણ અને સૌરાષ્ટ્રના જળાશયોની સ્થિતિ

દક્ષિણ ગુજરાત: રાજ્યના સંપૂર્ણ ભરાયેલા 14 ડેમમાંથી 8 ડેમ દક્ષિણ ગુજરાતમાં આવેલા છે. દમણગંગા ડેમમાં 55,300 ક્યુસેકથી વધુ પાણીની આવક થતાં 53,000 ક્યુસેક પાણી નિયંત્રિત રીતે નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નવસારી જિલ્લાના ઝૂઝ અને કેલિયા ડેમ પણ 100 ટકા ભરાઈ જતાં ઓવરફ્લો થઈ રહ્યા છે.

સૌરાષ્ટ્ર: સૌરાષ્ટ્રમાં પણ વરસાદની વ્યાપક અસર જોવા મળી છે. માત્ર 120 કલાકમાં આ વિસ્તારના જળાશયોનો સરેરાશ સંગ્રહ 39.14 ટકાથી વધીને 46.36 ટકા થયો છે. મોરબીના મચ્છુ-2 ડેમે સંપૂર્ણ જળસપાટી હાંસલ કરતા 18,500 ક્યુસેકથી વધુ પાણી છોડવું પડ્યું છે, જ્યારે ભાવનગરનો શેત્રુંજી ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયો છે.

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો

રાજ્યની જીવનદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની મહત્તમ ઊંચાઈ 163 મીટર (535 ફૂટ) અને પૂર્ણ જળસપાટી 138.68 મીટર (455 ફૂટ) છે. હાલમાં ડેમની પાણીની સપાટી 128.11 મીટરથી વધુ નોંધાઈ છે, જે તેની કુલ જળસંગ્રહ ક્ષમતાના આશરે 69.25 ટકા જેટલી છે. રાજ્યના 206 જળાશયોમાં હાલમાં કુલ 7,080.42 મિલિયન ક્યુબિક મીટર પાણી સંગ્રહિત છે. ગત વર્ષે 25 જુલાઈ, 2025 ના રોજ આ જ આંકડો 8,650.28 મિલિયન ક્યુબિક મીટર હતો, જે દર્શાવે છે કે હજુ પણ ગત વર્ષની સરખામણીએ 2,570 મિલિયન ક્યુબિક મીટર પાણીની ઘટ છે.