Get The App

જામનગરના બેડી નજીકના દરિયાઈ વિસ્તારમાં બોટનું રજીસ્ટ્રેશન કરાવ્યા વિના માછીમારી સામે કાર્યવાહી : બે માછીમારો સામે ગુના નોંધાયા

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના બેડી નજીકના દરિયાઈ વિસ્તારમાં બોટનું રજીસ્ટ્રેશન કરાવ્યા વિના માછીમારી સામે કાર્યવાહી : બે માછીમારો સામે ગુના નોંધાયા 1 - image

Jamnagar : જામનગર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર માછીમારી અટકાવવા બેડી મરીન પોલીસ દ્વારા સતત ચેકિંગ અને દેખરેખની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન બોટ ઉપર જરૂરી નોંધણી નંબર અને નામ વગર માછીમારી કરતા બે માછીમારો સામે ગુજરાત ફીશરીઝ એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે.

પોલીસમાંથી મળતી વિગતો મુજબ બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેડી જુના બંદર જેટી પાસે ચેકિંગ દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ બનાવમાં મહેબુબ નુરમામદ સાઇચા, (ઉંમર વર્ષ 35, રહે માઘાપર-ભુંગા, જામનગર) પોતાની બોટ ઉપર બોટનું નામ તથા રજીસ્ટ્રેશન નંબર દર્શાવ્યા વગર તેમજ બોટનું રજીસ્ટ્રેશન કરાવ્યા વગર માછીમારી કરી પરત ફરતા ઝડપાઈ ગયા હતા.

આ અંગે બેડી મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત ફીશરીઝ એક્ટ કલમ 21(1)(ચ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન તેમને બી.એન.એસ.એસ. કલમ 35(3) મુજબ નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા હતા.

બીજા બનાવમાં જુનશભાઈ જાકુભાઈ કેર, (ઉંમર વર્ષ 49,રહે-માઘાપર-ભુંગા, જામનગર) પોતાની બોટ ઉપર જરૂરી નામ અને રજીસ્ટ્રેશન નંબર વગર માછીમારી કરતા ઝડપાઈ ગયા હતા. આ અંગે બેડી મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત ફીશરીઝ એક્ટ કલમ 21(1)(ચ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. જામનગર મરીન પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર માછીમારી, નિયમભંગ તથા સુરક્ષા સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં રાખી આગળ પણ આવી કામગીરી યથાવત રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.