Gujarat

૧૬.૭૫ લાખની છેતરપિંડી કેસમાં આરોપીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર

By GS TEAM
23 Jan 20262 mins read
૧૬.૭૫ લાખની છેતરપિંડી કેસમાં આરોપીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર

વડોદરા : સિમપ્લેક્સ પોલી પ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ નામની બોગસ કંપનીના નામે માલ મંગાવી રૃા.૧૬.૭૫ લાખની છેતરપિંડી આચરનારા આરોપીએ તેને  ગુનામાંથી છોડી મુકવા માટે જે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી તે અરજી નીચલી કોર્ટે રદ કરતા તેની સામે તેણે સેશન્સ કોર્ટમાં રિવીઝન અરજી કરી હતી. ન્યાયાધીશે દલીલો અને પુરાવાને ધ્યાને લઇ નીચલી કોર્ટનો આદેશ યોગ્ય હોવાની નોંધ સાથે રિવીઝન અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, આરોપીઓએ સિમપ્લેક્સ પોલી પ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ' નામની બોગસ કંપનીના નામે ફરિયાદીની કંપની પાસેથી ૪ ટન બીટા બ્લ્યુ પિગમેન્ટ્સનો માલ મંગાવ્યો હતો. આ માલની કિંમત રૃા.૧૬,૭૫,૬૦૦ થતી હતી, જેના પેમેન્ટ માટે આપવામાં આવેલા ચેક બાઉન્સ થયા હતા એટલે આ બનાવ અંગે વર્ષ ૨૦૧૯માં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં  જીજ્ઞોશ પ્રજાપતિ સહિતના ત્રણ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો.

આ ગુનામાંથી પોતાને બિનતહોમત છોડી મુકવામાં આવે તે માટે આરોપી જીજ્ઞોશે નીચલી કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી જે અરજી નામંજૂર થતાં તેણે સેશન્સ કોર્ટમાં નીચલી કોર્ટના આદેશ સામે રિવીઝન અરજી દાખલ કરી હતી.સુનાવણી દરમિયાન  સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપીએ ગુનાહિત કાવતરું રચીને છેતરપિંડી કરી છે અને તેની વિરુદ્ધ મજબૂત પુરાવાઓ છે.

ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ રિવીઝન અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે, ચાર્જ ફ્રેમ કરવાના તબક્કે માત્ર પ્રાથમિક પુરાવા જોવાના હોય છે. કેસના કાગળો જોતા આરોપીની ગુનામાં સંડોવણી જણાય છે. ટ્રાયલ કોર્ટે ૧૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ આરોપીની ડિસ્ચાર્જ નામંજૂર કરતો જે આદેશ કર્યો હતો તે યોગ્ય છે અને રિવિઝન અરજી નામંજૂર કરવામાં આવે છે.