Gujarat

૧.૭૭ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર

By GS TEAM
3 Feb 20261 min read
૧.૭૭ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર

વડોદરા : બોગસ કંપની અને તેની વેબ સાઇટ બનાવી તેમાં ઉંચા વ્યાજની લાલચ આપી રૃા.૧.૭૭ કરોડની છેતરપિંડી આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી રદ કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, ગુનાની ગંભીરતા અને પુરાવા જોતા આરોપીને જામીન પર મુક્ત કરવાનું યોગ્ય જણાતું નથી.

આ બનાવ અંગે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી નિરવ દેવચંદ ગાલાએ  તેના પિતા સાથે મળીને બોન્ડ ઇન્ડિયા નામની બોગસ કંપની અને વેબસાઇટ બનાવી ફરિયાદીને ઉંચા વ્યાજની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું અને   આ નાણાં પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરાવી રૃા.૧,૭૭,૨૩,૦૦૦ની છેતરપિંડી કરી હતી.

આ બનાવમાં આરોપી નિરવે જામીન અરજી મૂકતા બચાવ પક્ષે ટ્રાયલમાં વિલંબ થઇ રહ્યો હોવાની દલીલ કરી હતી.જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આ એક સુનિયોજિત આથક કૌભાંડ છે જેમાં માતબર રકમની છેતરપિંડી થઈ છે. માત્ર લાંબા જેલવાસના આધારે જામીન આપવાની સત્તા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ પાસે છે અને અગાઉ જામીન અરજી રદ થયા બાદ કોઈ નવા સંજોગો બદલાયા નથી. બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ ન્યાયાધીશે આરોપી નિરવ ગાલાની જામીન અરજી નામંજૂર કરી હતી.