Get The App

જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી સગીરા સાથે ઢસા પાસેથી ઝડપાયો

Updated: May 28th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી સગીરા સાથે ઢસા પાસેથી ઝડપાયો 1 - image

Jamnagar Police : જામનગર શહેરના ગોકૂલનગર વિસ્તારમાં રહેતી સત્તર વર્ષની એક સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવાતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. અને ભારે શોધખોળ કર્યા બાદ સગીરાના મંગેતરના કુટુંબીકાકા એવા આરોપીને ભાવનગર નજીક ઢસા પાસેથી સગીરા સાથે ઝડપી લીધો છે, અને તેને જામનગર લાવ્યા બાદ વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે સગીરાની મેડિકલ તપાસણી કરાવાઈ રહી છે.

જામનગરના ગોકૂલનગર વિસ્તારમાં રહેતી સગીરા કે જેનું થોડા દિવસો પહેલાં જામનગરના એક યુવક સાથે સગપણ થયું હતું. ત્યારબાદ મંગેતરના કુટુંબિક કાકા તરીકે ઓળખાતા કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના જીગર કરશનભાઇ રામકબીર સાથે સગીરા મોબાઈલ ફોન તેમજ ઇન્સ્ટાગ્રામ જેવા સામાજિક માધ્યમો દ્વારા સંપર્કમાં આવી હતી.

પરિવારજનોના જણાવ્યા મુજબ ગત 21મી તારીખે સગીરા અચાનક ઘરેથી લાપતા બની ગઈ હતી. આસપાસ શોધખોળ હાથ ધર્યા છતાં કોઈ પત્તો ન મળતાં આખરે મંગેતરના કુટુંબિક કાકા દ્વારા જ સગીરાને ભગાડી જવામાં આવી હોવાની શંકા સાથે સિટી “સી” ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જે ફરિયાદના આધારે સિટી સી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. મોબાઈલ ફોનની વિગતો, સામાજિક માધ્યમો પરના સંપર્કો તેમજ સંભવિત સ્થળોના આધારે પોલીસ ટીમો તપાસમાં લાગી ગઈ હતી, અને છેક ભાવનગર પંથકના ઢસા ગામ સુધી તપાસનો દોર લંબાવી ત્યાંથી આરોપી જીગર અને તેની સાથે સગીરા બંનેને શોધી કાઢ્યા હતા. જે બંનેને આજે સવારે જામનગર લાવવામાં આવ્યા છે, અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જયારે સગીરાને તબીબી ચકાસણી સાથે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મોકલી આપી છે. આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળી રહ્યું હોવાથી તેની સામે પોકસો ઉપરાંત દુષ્કર્મની કલમનો પણ ઉમેરો કરવામાં આવી રહ્યો છે.