Get The App

સાબરકાંઠા: શામળાજી નજીક પોલીસ જાપ્તામાંથી ફરાર થતા આરોપી પર ફાયરિંગ, હાથમાં ગોળી વાગી

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
સાબરકાંઠા: શામળાજી નજીક પોલીસ જાપ્તામાંથી ફરાર થતા આરોપી પર ફાયરિંગ, હાથમાં ગોળી વાગી 1 - image

Sabarkantha News: ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા શામળાજી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (વિજિલન્સ વિભાગ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશી દારૂના ગુનામાં પકડાયેલા આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાનો પ્રયાસ કરતા, પોલીસે સ્વબચાવ અને આરોપીને રોકવા માટે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ ઘટનામાં આરોપીના જમણા હાથમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, સ્ટેટ વિજિલન્સની ટીમ વિદેશી દારૂના કેસમાં વોન્ટેડ આરોપી  સુખલાલ રામલાલ ડાંગીને રાજસ્થાનના ઘાસા ગામેથી ઝડપીને અમદાવાદ લાવી રહી હતી. આ દરમિયાન શામળાજી નજીક આરોપીએ પોલીસને ચકમો આપી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા અને આરોપી ફરી એકવાર હાથમાંથી નીકળી ન જાય તે માટે વિજિલન્સ પોલીસે ફાયરિંગ કર્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલા રાઉન્ડમાં ગોળી આરોપી સુખલાલના જમણા હાથની આરપાર નીકળી ગઈ હતી. ગોળી વાગતા જ આરોપી લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયો હતો અને પોલીસ તેને ફરી ઝડપી લેવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો: સાવધાન! 'અત્યારે પેમેન્ટ કરી દો, કાલે સિલિન્ડર મળી જશે', ગેસની અછત વચ્ચે ગેસ એજન્સીઓના નામે છેતરપિંડી

હોસ્પિટલમાં સારવાર હેઠળ

ઇજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક અસરથી પહેલા શામળાજી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલમાં સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે તેની સારવાર ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, જો સમયસર ફાયરિંગ કરીને આરોપીને રોકવામાં ન આવ્યો હોત તો તે ડુંગરાળ વિસ્તારનો લાભ લઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હોત. હાલમાં હિંમતનગર પોલીસ અને વિજિલન્સ વિભાગ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે.