Get The App

સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ 1 - image

મટનની દુકાન પાસે બકરા બાંધવા બાબતે થયેલી તકરારમાં

ગાંધીનગર સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટનો ચુકાદો ૧૦ હજાર રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગરના સેક્ટર-૨૪ વિસ્તારમાં વર્ષ ૨૦૧૪માં મટનની દુકાન પાસે બકરા બાંધવા જેવી સામાન્ય બાબતે અનુસૂચિત જનજાતિના યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરનાર આરોપી સદ્દામને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને ગાંધીનગરની સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટે ૧૨ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે સેક્ટર-૨૪, ઇન્દિરાનગર ખાતે રહેતા લાલાજી આદાજી માજીરાણા ભીલના મકાન પાસે સદ્દામ મોહમ્મદ શફીની બિશમીલ્લા મટન શોપ આવેલી હતી. ત્યારે ગત ૧૨ નવેમ્બર ૨૦૧૪ના રોજ લાલાજી તેમના બકરા વ્યવસ્થિત બાંધવા માટે સમજાવવા ગયા હતા ત્યારે મામલો બિચક્યો હતો. આ દરમિયાન સદ્દામ મોહમ્મદ શફી ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો આપી પોતાની પાસે રહેલી મોટી છરી વડે લાલાજી ઉપર તૂટી પડયો હતો અને એક પછી એક ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઘાયલ અવસ્થામાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ અંગે સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે કેસ ગાંધીનગરના છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી. જી. રાણાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ પ્રિતેશ ડી વ્યાસ દ્વારા ૨૨ સાક્ષીઓ અને તબીબોની જુબાની લેવામાં આવી હતી. જેમણે દલીલ કરી હતી કે, આરોપીએ હત્યાના ઇરાદે યુવાન ઉપર હુમલો કર્યો હતો. જે હુમલામાં તેના પેટમાંથી આંતરડા પણ બહાર નીકળી ગયા હતા. જેથી સમાજમાં વધી રહેલી આ પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે આરોપીને સમાજમાં દાખલો બેસે તે પ્રકારે સજા થવી જોઈએ. જે દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા આરોપી સદામને ૧૨ વર્ષની સખત કેદની સજા અને ૧૦ હજાર રૃપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.