- નડિયાદની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટેનો ચુકાદો
- આરોપીને રૂ. એક લાખના દંડ સહિત ગુનામાં વપરાયેલું લોડિંગ વાહન પણ સરકાર હસ્તક જપ્ત કરવાનો આદેશ
નડિયાદ : નડિયાદની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટે ગૌવંશની ક્રૂરતાપૂર્વક હેરફેર કરવાના કેસમાં મહત્વનો ચુકાદો આપતા આરોપીને ૭ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અકલાચા ચોકડી પાસેથી પકડાયેલા આરોપી લક્ષ્મણભાઇ પુનમભાઇ દેવીપૂજકને કોર્ટે પશુ સંરક્ષણ ધારા હેઠળ દોષિત ઠેરવી એક લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે. આ સાથે જ ગુનામાં વપરાયેલું લોડિંગ વાહન પણ સરકાર હસ્તક જપ્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ખેડા જિલ્લાના અકલાચા ચોકડી પાસે ગૌવંશને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલ કરવાના ઇરાદે હેરફેર કરવાના કેસમાં નડિયાદની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ કેસની વિગતો મુજબ આરોપી લક્ષ્મણભાઇ પુનમભાઇ દેવીપૂજક પોતાના કબ્જાની લોડિંગ ટેમ્પીમાં કોઇપણ સત્તાધિકારીના પ્રમાણપત્ર વગર એક આખલાને કતલ કરવાના ઇરાદે ભરીને જઇ રહ્યો હતો. તપાસ દરમિયાન માલુમ પડયું હતું કે, પશુને દયનીય હાલતમાં અત્યંત ટૂંકા દોરડા વડે બાંધીને ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર ગેરકાયદેસર રીતે લઇ જવામાં આવી રહ્યો હતો. ૨૫ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ આરોપી મુદ્દામાલ સાથે સ્થળ પરથી પકડાઇ ગયો હતો. આ કેસ નડિયાદની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો.
સુનાવણી દરમિયાન સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓ અને મૌખિક જુબાનીઓને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. પશુ સંરક્ષણ ધારા ૧૯૫૪ના સુધારા અધિનિયમ ૨૦૧૭ની વિવિધ કલમો હેઠળ આરોપી સામેના ગુના સાબિત થયા હતા. કોર્ટે અવલોકન કર્યું હતું કે, પશુ પ્રત્યેની આવી ક્રૂરતા સાંખી શકાય નહીં અને કાયદાની જોગવાઇ મુજબ આરોપીને આકરી સજા થવી જોઇએ. અંતે કોર્ટે આરોપી લક્ષ્મણભાઇ પુનમભાઇ દેવીપૂજકને પશુ સંરક્ષણ ધારાની કલમ મુજબના ગુનામાં ૭ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સજાની સાથે આરોપીને એક લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલું વાહન લોડિંગ ટેમ્પીને પણ ગુજરાત પશુ સંરક્ષણ ધારાની કલમ ૬ (ક) (૩) મુજબ સરકાર હસ્તક દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.


