- નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો
- આરોપી પોક્સો, એટ્રોસિટી હેઠળ કસૂરવાર : સરકાર દ્વારા સગીરાને 1 લાખ વળતર ચૂકવવા આદેશ
નડિયાદ : નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપી યુવકને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારવાનો ચુકાદો આપવામાં આવ્યો છે. તેમજ કોર્ટે આરોપીને રૂપિયા ૪૦ હજારનો દંડ પણ કર્યો છે. જ્યારે ભોગ બનનાર સગીરાને સરકાર દ્વારા રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના લાલપુર (ગાંભોઈ) ગામનો આરોપી અજમેલસિંહ મકવાણા ફરિયાદી પક્ષ સાથે સંબંધ ધરાવતો હતો. આ પરિચયનો લાભ લઈને તેણે સગીરાને લગ્નની લાલચ આપી હતી. અંદાજે એકાદ વર્ષ પહેલા આરોપી સગીરાને હિંમતનગરથી શામળાજી હાઈવે પર આવેલી હોટલમાં લઈ ગયો હતો. ત્યાં હોટલના રજિસ્ટરમાં કોઈ પણ નોંધણી કરાવ્યા વગર રૂમ રાખીને સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે ત્રણ-ચાર વખત શરીર સંબંધ બાંધ્યો હતો. આ ઘટના બાદ આરોપીએ સગીરાને ધમકી આપી હતી અને મોબાઈલ ફોન પર બિભત્સ ગાળો પણ આપી હતી.
આ અંગે ડાકોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપી ધરપકડથી બચવા માટે એક વર્ષ સુધી નાસતો ફરતો રહ્યો હતો, પરંતુ પોલીસની સઘન તપાસ બાદ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ કરનાર અધિકારી દ્વારા કોર્ટમાં મજબૂત પુરાવા અને ૧૬ જેટલા સાક્ષીઓની જુબાની રજૂ કરવામાં આવી હતી. સરકારી વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, સમાજમાં સગીરાઓ સામે વધતા જતા આવા ગુનાઓને રોકવા માટે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ.
નડિયાદના સ્પેશિયલ જજ દ્વારા તમામ પુરાવા અને દલીલોને ધ્યાને રાખીને આરોપીને પોક્સો એક્ટની વિવિધ કલમો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટે પોક્સો હેઠળ આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૪૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.


