Get The App

જામનગરની ડેન્ટલ કોલેજના રૂપિયા 1.36 કરોડના નાણા કૌભાંડમાં આરોપી જેલ હવાલે : રાજ્ય સરકાર દ્વારા ફરજ મોકૂફ કરાયો

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરની ડેન્ટલ કોલેજના રૂપિયા 1.36 કરોડના નાણા કૌભાંડમાં આરોપી જેલ હવાલે : રાજ્ય સરકાર દ્વારા ફરજ મોકૂફ કરાયો 1 - image

Jamnagar Dental Collage Fee Scam : જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં સામે આવેલા રૂપિયા 1 કરોડ 36 લાખથી વધુના નાણા કૌભાંડ મામલે ઝડપાયેલા આરોપી શોભીત ગર્ગને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ અદાલતી પ્રક્રિયા પૂર્ણ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ નેશનલ હેલ્થ મિશન હેઠળ આઉટસોર્સિંગના કર્મચારી તરીકે ફરજ બજાવતા શોભીત ગર્ગ સામે રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી અલગ અલગ સમયે ચેક મારફતે અંદાજે પંદર જેટલા વ્યવહારો કરી રૂપિયા 1 કરોડ 36 લાખથી વધુની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધાના આક્ષેપો સાથે ગુનો નોંધાયો હતો.

આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યા બાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી, અને અદાલત દ્વારા તેને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પોલીસ તપાસ દરમિયાન આરોપી સાથે સંકળાયેલા ત્રણ જેટલા બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ઉપરાંત કેટલાક ચેકબુકો તેમજ મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં દસ જેટલા વ્યક્તિઓના નિવેદનો પણ નોંધ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાથમિક તપાસમાં આરોપીએ ચેક મારફતે નાણા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા બાદ તેનો ઉપયોગ શેરબજાર સહિતના રોકાણોમાં કર્યો હોવાના સંકેતો સામે આવ્યા છે. જોકે હાલ સુધી પોલીસને કોઈ મોટી રોકડ રકમ મળી આવી નથી, પરંતુ નાણાકીય વ્યવહારો અને ટ્રાન્ઝેક્શન અંગેની મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા શોભીત ગર્ગને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યો છે. આઉટસોર્સિંગના કર્મચારી હોવાના કારણે ડેન્ટલ હોસ્પિટલના ડીન દ્વારા તેની સેવા સમાપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.