Gujarat

ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનમાંથી પકડાયો

By GS TEAM
11 Nov 20252 mins read
ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનમાંથી પકડાયો

ફરાર આરોપીઓને પકડવાની સ્પેશિયલ ડ્રાઈવમાં

ગાંધીનગર એલસીબી ટુની ટીમે સાંતેજ પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી લીધો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૃ કરવામાં આવી છે. જે અંતર્ગત સાતેજ પોલીસ મથકમાં નવ વર્ષ અગાઉ નોંધાયેલી ચોરીના ગુનામાં ફરાર આરોપીને એલસીબી ટુની ટીમ દ્વારા રાજસ્થાનના સલુમ્બર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાતા રહે છે પરંતુ આ ગુનાઓમાં ઘણા આરોપીઓ વર્ષો સુધી ફરાર રહેતા હોય છે. આ સ્થિતિમાં આવા ફરાર આરોપીઓને પકડવા માટે ગાંધીનગર જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા ગાંધીનગર એલસીબી ટુના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી પરમારને સુચના આપવામાં આવી હતી અને જેના આધારે તેમણે પોલીસ સ્ટાફને લાંબા સમયથી અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા અને તેમના આશ્રય સ્થાનો ઉપર કોમ્બિંગ હાથ ધરવા સુચના આપી હતી. જેના આધારે એલસીબી ની ટીમો દ્વારા જિલ્લા અને રાજ્ય બહાર વસવાટ કરતા આવા નાસતા ફરતા આરોપીની યાદી તૈયાર કરી હતી અને સ્થાનિક બાતમીદારોને સક્રિય કરી તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને મથામણ આદરી હતી. દરમિયાનમાં એલસીબીની ટીમને બાતમી મળી હતી કે સાતેજ પોલીસ સ્ટેશનમાં નવ વર્ષ અગાઉ નોંધાયેલા ચોરીના ગુનામાં ફરાર આરોપી વિરજી રોડાજી મીણા પોતાના રહેઠાણ ડબાડા ફલા, છાણી ગામ, તા. સરાડા, જી. સલુમ્બર, રાજસ્થાન ખાતે હાજર છે. જે બાતમીના આધારે પોલીસ ટીમ અહીં પહોંચી હતી અને તેને ઝડપી લીધો હતો ત્યારબાદ સાતેજ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.