AAP Cracks Down in Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે લાલ આંખ કરીને એક સાથે 6 જણાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. કદવાલ તાલુકા પંચાયતમાં પ્રમુખની વરણી વખતે પાર્ટીના આદેશ (વ્હીપ)નો અનાદર કરી ગેરહાજર રહેનારા એક ચૂંટાયેલા તાલુકા પંચાયત સદસ્ય અને અન્ય 5 કાર્યકરોને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વ દ્વારા તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે.
'આપ'ના હાથમાંથી શાસન ગયું અને ભાજપ ફાવી ગયું
મળતી માહિતી અનુસાર, કદવાલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી પાસે 8 બેઠકો અને ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે પણ 8 બેઠકો હતી. બંને પક્ષો પાસે સરખી બેઠકો હોવાથી પ્રમુખ પદની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને મહત્ત્વની બની હતી. જોકે, પ્રમુખની વરણીના મતદાન સમયે 'આપ'ની ટિકિટ પરથી વિજેતા બનેલા કદવાલ બેઠકના સદસ્ય પક્ષના વ્હીપનો અનાદર કરીને ગેરહાજર રહ્યા હતા. સદસ્યની આ ગેરહાજરીના કારણે આમ આદમી પાર્ટીએ બહુમતી ગુમાવી દીધી હતી અને શાસન ગુમાવવાનો વારો આવ્યો હતો, જ્યારે સીધો ફાયદો ભાજપને થતાં ત્યાં ભાજપનું શાસન સ્થપાયું હતું.
પ્રદેશ નેતૃત્વએ લીધી ગંભીર નોંધ
તાલુકા પંચાયતની ચૂંટણી અને પ્રમુખની વરણીમાં પક્ષ વિરોધી કામગીરી કરીને આમ આદમી પાર્ટીને મોટું નુકસાન પહોંચાડવાની આ ઘટનાને પ્રદેશ કક્ષાના નેતાઓએ અત્યંત ગંભીરતાથી લીધી હતી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા તમામ જવાબદારો સામે કડક પગલાં ભરતા પ્રદેશ નેતૃત્વએ 1 તાલુકા પંચાયત સદસ્ય અને ભીખાપુરા તેમજ કદવાલ ગામના અન્ય 5 કાર્યકરોને સસ્પેન્ડ કરી પાણીચું આપી દીધું છે.
સસ્પેન્ડ કરાયેલા સદસ્ય અને કાર્યકરોની યાદી
•રમણ બારિયા – (ચૂંટાયેલા સદસ્ય, કદવાલ બેઠક - ગામ: સિંગાપુર, કદવાલ)
•પર્વત રાઠવા – (ગામ: ગઢ, ભીખાપુરા)
•રાજેન્દ્ર બારિયા – (ગામ: કદવાલ)
•પ્રકાશ બારીયા – (ગામ: કદવાલ)
•મનજી રાઠવા – (ગામ: ઝરી, કદવાલ)
•જીવન બારિયા – (ગામ: કદવાલ)
આમ આદમી પાર્ટી દ્વારા લેવાયેલા આ આકરા પગલાંથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને પક્ષના અન્ય કાર્યકરોમાં પણ શિસ્તભંગ ન કરવા અંગે કડક સંદેશો ગયો છે.


