Gujarat

શિલ્પી કામ કરતા યુવક પર ચાકૂથી હુમલો કરી અપહરણ કર્યુ

By GS TEAM
8 Aug 20252 mins read
TukuTouch Logo
પિતા સહિત અન્ય સગાઓ સામે વડોદરા પોલીસે ગુનો દાખલ કર્યો

Summarized by AI; it may make mistakes. Check important info

શિલ્પી કામ કરતા યુવક પર ચાકૂથી હુમલો કરી અપહરણ કર્યુ

Vadodara Crime : વડોદરામાં શિલ્પ કામ કરતા યુવકને તેના પિતાના ઇશારે સગાઓએ હુમલો કરી ગાડીમાં નાંખી મહેસાણા લઇ ગયા હતા. તે દરમિયાન ત્યાં પોલીસ આવી જતા ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જે અંગે વાડી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇ રોડ મહાનગર વુડાના મકાનમાં રહેતા 19 વર્ષના આકાશ જયેશભાઇએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું બાપોદ ચાર રસ્તા પાસે ગણપતિની મૂર્તિઓની સજાવટનું કામ કરૃં છું. મારા મમ્મીને મારા પિતા સાથે અણબનાવ થતા મારા પિતા મહેસાણાના કંથરાવી ગામે રહે છે. મારા પિતા મારી મમ્મીને રાખતા ન હતા અને છૂટાછેડા આપવાનું કહેતા મારી મમ્મીએ દશ વર્ષ પહેલા કોર્ટમાં મારા પિતા સામે કેસ કર્યો હતો.

ગત છઠ્ઠી તારીખે રાતે સાડા બાર વાગ્યે મારા માસા દિનેશભાઇ, તેમનો ભાઇ સંજય તથા અનિલ મારા ઘરે આવ્યા હતા. જોરજોરથી દરવાજો ખખડાવતા મારા મમ્મીએ દરવાજો ખોલતા દિનેશે મારી મમ્મીના વાળ પકડી માર માર્યો હતો. હું અને મારી બહેન છોડાવવા વચ્ચે પડતા અમને પણ પાવડાના હાથા વડે માર માર્યો હતો. સંજયે મને માથામાં ચપ્પુ મારી દેતા મને લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ તેઓ મને ઢસડીને ઘરની બહાર લઇ ગયા હતા અને પીકઅપ ગાડીમાં મને નાંખી દીધો હતો. બૂમાબૂમ થતા લોકો ભેગા થઇ જતા આરોપીઓએ પીકઅપ ગાડી ભગાવી દીધી હતી. ગાડીમાં મારા દાદી, અન્ય સગાઓ તથા મારા પિતા પણ હતા. અમદાવાદ આવતા મારા માસા ત્યાં ઉતરી ગયા હતા. ત્યાંથી મારી દાદી તથા પિતા મને તઓના વતન કંથારવી ગામે લઇ ગયા હતા. મારા પિતાએ મને ગાડીમાંથી નીચે ઉતારી ઘરમાં ખાટલા પર સૂવડાવ્યો હતો. આશરે એક કલાક પછી પોલીસ આવી હતી અને મને સારવાર માટે ત્યાંની હોસ્પિટલમાં લઇ ગયા હતા.

વાડી પોલીસે સ્થાનિક પોલીસને જાણ કરતા અપહૃતનો છૂટકારો

વાડી પોલીસને અપહરણની જાણ થતા તેઓએ આરોપીઓને ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરી હતી. વાડી પી.આઇ. જીજ્ઞેશ ગામીતે હાથ ધરેલી તપાસ દરમિયાન ભોગ બનનારનું લોકેશન કંથારવી ગામનું મળ્યું હતું. જેથી, સ્થાનિક પોલીસનો સંપર્ક કરી અપહૃતને બચાવવા જણાવતા ઉનાવા પોલીસ દોડતી થઇ હતી. પોલીસે કંથારવી ગામે જઇ અપહૃતને બચાવી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.