Gujarat

કલોલના સાંતેજમાં મંદિરની આડમાં ચાલતું વિદેશી દારૃનું નેટવર્ક ઝડપાયું

By GS TEAM
8 Feb 20262 mins read
કલોલના સાંતેજમાં મંદિરની આડમાં ચાલતું વિદેશી દારૃનું નેટવર્ક ઝડપાયું

વડસર રોડ પર આવેલા ખેતરમાં અડ્ડો ધમધમતો

પોલીસે દરોડો પાડી ૨.૬૬ લાખની વિદેશી બ્રાન્ડની ૪૭૦ બોટલો જપ્ત કરી ઃ બુટલેગર ફરાર થવામાં સફળ

ગાંધીનગર :   ગુજરાતમાં દારૃબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો અવનવા નુસખા અપનાવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે એક મોટા દારૃના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. સાંતેજથી વડસર જતા રોડ પર આવેલા ગિરનારી આશ્રમ પાછળના એક ખેતરમાં, મંદિરની આડમાં છુપાવેલો વિદેશી દારૃનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડયો છે. આ કામગીરી દરમિયાન પોલીસે  રૃપિયા ૨.૬૬ લાખથી વધુની કિંમતની ૪૭૦ જેટલી પ્રીમિયમ બ્રાન્ડની બોટલો જપ્ત કરી છે. જોકે, મુખ્ય સૂત્રધાર પોલીસની રેઇડ જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

સાંતેજ પોલીસ મથકના પીઆઈ એસ આર મૂછાળ અને તેમની ટીમ જ્યારે નાઇટ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે સાંતેજ ગામના'પેદાજી' તરીકે ઓળખાતા કમલેશજી ભવાનજી ઠાકોરે પોતાના ખેતરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૃ કરી છે. બાતમી મુજબ, આ ખેતરમાં આવેલા ગોગા મહારાજના મંદિરની બિલકુલ સામે એક કાચું છાપરું બનાવવામાં આવ્યું હતું, જેની આડમાં વિદેશી દારૃનો મોટો સ્ટોક ઉતારવામાં આવ્યો હતો. આ સ્થળેથી દારૃનું છૂટક વેચાણ પણ કરવામાં આવતું હોવાની માહિતી મળતા પોલીસે તુરંત જ કાફલા સાથે બાતમીવાળા ખેતર પર દરોડો પાડયો હતો.

પોલીસ જ્યારે રેઇડ દરમિયાન કાચા છાપરામાં પ્રવેશી, ત્યારે ત્યાં ખાખી રંગના અનેક બોક્સનો થપ્પો લાગેલો જોવા મળ્યો હતો. અંધારું હોવાને કારણે મોબાઈલ ફોનની ફ્લેશ લાઈટના અજવાળે જ્યારે એક પછી એક બોક્સ તપાસવામાં આવ્યા, ત્યારે તેમાંથી પંજાબ અને રાજસ્થાનમાં વેચાણ માટે માન્ય હોય તેવી ઉચ્ચ ગુણવત્તાની પ્રીમિયમ વ્હિસ્કીની બોટલો મળી આવી હતી.પોલીસની ગણતરી મુજબ ૨.૬૬ લાખની કિંમતની અલગ અલગ બ્રાન્ડની ૪૭૦ નંગ બોટલ અહીંથી પકડવામાં આવી હતી.તો મુખ્ય આરોપી કમલેશજી ભવાનજી ઠાકોર સ્થળ પર હાજર ન હોવાથી તે પકડાયો ન હતો, પરંતુ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરનો ગુનો નોંધ્યો છે.