Gujarat

ઉ. ગુ.ની 6721 આંગણવાડીઓમાં 274611 બાળકોનો તિલક કરી પ્રવેશ

By GS Team
18 Feb 20222 mins read
This article was originally published on 18 Feb 2022
ઉ. ગુ.ની 6721 આંગણવાડીઓમાં 274611 બાળકોનો તિલક કરી પ્રવેશ

મહેસાણા,પાલનપુર,પાટણ,ચાણસ્મા,ધાનેરા,ભીલડી તા.17

વૈશ્વિક કોરોના મહામારીનું સંકટ હળવું બનતા ઉત્તર ગુજરાતમાં બે વર્ષ બાદ આંગણવાડીઓમાં બાળકોનું શિક્ષણ રાબેતા મુજબ શરૃ કરવામાં આવ્યું. જેમાં ઉત્તર ગુજરાતની ૬૭૨૧ આંગણવાડી કેન્દ્રોમાં ૨૭૪૬૧૧ ભુલકાઓને કુમકુમ તિલક, પુષ્પવર્ષા અને મો મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો. બે વર્ષ બાદ ઉત્તર ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારની આગણવાડીમાં બાળકોના કલવલાટથી ગુંજી ઉઠી હતી.

ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણની પ્રથમ,બીજી લહેર બાદની ત્રીજી લહેરમાં સંક્રમણ હળવું બનતા બે વર્ષથી બંધ આંગણવાડીઓમાં બાળકોનું પાલન પોષણ અને ઘડતર શરૃ કરવા સરકારના નિર્ણયને લઈ મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં ગુરૃવારથી શિક્ષણ કાર્ય સરકારની કોરોનાના ગાઇડ લાઇન પ્રમાણે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં મહેસાણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડીઓમાં ૫૭૪૯૬ બાળકોને કોરોનાની ગાઇડ લાઇન સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આંગણવાડીઓને સેનેટાઇઝ કરી બાળકોને માસ્ક પહેરાવી સોશિયલ ડિસ્ટન સાથે મો મીઠુ કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને ગામડાઓમાં પણ બાળકોને કુમકુમ તીલક સાથે પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લામાં આવેલી ૧૪૨૭ આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા ૯૦૧૧૫ બાળકોનું શૈક્ષણિક કાર્ય ફરી રાબેતા મુજબ થઈ રહ્યું છે. ત્યારે જિલ્લામાં આવેલી આંગણવાડીઓમાં ૧૩૦૦ કાર્યકરો અને ૧૩૧૦ તેડાગર બહેનો ફરજ બજાવી રહી છે, ત્યારે આજે ગુરુવારે શરૃ થયેલી પાટણ શહેરની આઘારા દરવાજા અને દામજીરાવ બાગમાં આવેલી આંગણવાડી અને બાલવાટીકામાં સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક પહેરીને કુમકુમ તિલક કરી બાળકોને સેનિટાઈઝર અને ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપીને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે લગ્ન સિઝન હોવાના કારણે બાળકોની પાંખી હાજરી જોવા મળી હતી. બે વર્ષ બાદ પ્રથમ દિવસે આંગણવાડી અને બાલવાટિકામાં આવેલા બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો અને બાળકોને મુક્તમને રમવા દેવામાં આવ્યા હતા.ફિંચાલ અને ચંદ્રુમાણાની આંગણવાડીઓમાં પણ બાળકોને મો મીઠુ કરાવી પ્રવેશ અપાવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણની પ્રથમ,બીજી લહેર બાદ ની ત્રીજી લહેરમાં સંક્રમણ હળવું બનતા બે વર્ષ થી બંધ આંગણવાડીઓમાં બાળકોનું પાલન પોષણ અને ઘડતર શરૃ કરવા સરકાર ના નિર્ણયને લઈ બનાસકાંઠા જિલ્લામાં ગુરૃવારે ૧૪ તાલુકાના ૨૭ ઘટકની ૩૩૬૪ આંગણવાડીમાં ૧.૫૩ લાખ ભૂલકા ઓ માટે શિક્ષણ કાર્યનો પ્રારંભ કરાયો છે.જેમાં પાલનપુર તાલુકાના મડાણા (ગઢ) સેઝાની ૩૫ આંગણવાડીઓમાં ભૂલકાઓને કુમકુમ તિલક કરી નંદઘરમાં પ્રવેશ આપાવ્યો હતો.