Gujarat

ટ્રેક્ટર ચલાવતા કિશોરે બ્રેક મારતા બાજુમાં બેઠેલો યુવક નીચે પટકાતા મોત

By GS TEAM
2 Mar 20261 min read
ટ્રેક્ટર ચલાવતા કિશોરે બ્રેક મારતા બાજુમાં બેઠેલો યુવક નીચે પટકાતા મોત

 વડોદરા,ટ્રેક્ટર ચલાવતા શીખતા ૧૬ વર્ષના કિશોરે એકદમ બ્રેક મારતા તેની બાજુમાં બેઠેલો ૨૦ વર્ષનો યુવક ઉછળીને રોડ પર પટકાયો હતો. યુવકને માથા અને મોંઢા પર ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું.

દાહોદ જિલ્લાના લીમડી તાલુકાના સીમલીયા ગામે રહેતા વિરિયાભાઇ કડકીયાભાઇ નિસરતાહ ાલ વડોદરાના બાજવા ખાતે શિવશક્તિ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે અને કડીયાકામ કરે છે. ગઇકાલે રાત્રે તેમનો દીકરો બાદલ(  ઉં.વ.૨૦) તેના શેઠ મહેશભાઇ મકવાણાનું ટ્રેક્ટર લઇને રાણીયા ગામથી બાજવા ગામ સામાન મૂકવા માટે ૧૬ વર્ષના કિશોરને લઇને ગયો હતો. ત્યાંથી પરત આવતા સમયે ૧૬ વર્ષના કિશોરે બાદલને કહ્યું કે, બાદલભાઇ હું  ટ્રેક્ટર ચલાવતા શીખવા માગુ છું. રાત્રિનો સમય હોઇ બાદલે તેને ટ્રેક્ટર ચલાવવા માટે આપ્યું હતું.

ત્યારબાદ કિશોર ટ્રેક્ટર ચલાવતો હતો અને બાદલ બાજુની સીટ  પર બેઠો હતો. હાઇવે પર રણોલી ગામના બ્રિજથી પદમલા ગામ તરફ જતા રોંગ સાઇડના સર્વિસ રોડ પરથી તેઓ જતા હતા. તે દરમિયાન સ્પીડ બ્રેકર આવતા કિશોરે એકદમ બ્રેક મારતા બાદલ ઉછળીને રોડ પર પટકાયો હતો.તેને માથા અને મોંઢા પર ગંભીર ઇજા થતા મોત થયું હતું. પોલીસે ટ્રેક્ટર ચલાવતા ૧૬ વર્ષના કિશોર સામે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.