યુવક પર બોથડ પદાર્થથી હુમલો કરી હત્યાનો પ્રયાસ

અમદાવાદ,મંગળવાર
શાહપુર વિસ્તારમાં રેટિયાવાડ ખાતે ખાટલામાં સૂઇ રહેલા યુવક ઉપર બોથડ પદાર્થથી જીવલેણ હુમલો કરાયો હતો. પરિવારજનોને જાણ થતાં વહેલી સવારે દિકરો લોહી લુહાણ બેભાન હાલતમાં તરફડીયા મારી રહ્યો હતો. ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે શાહપુર પોલીસે હત્યાનો કોશિષનો ગુનો નોેંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારજનો સવારે જોવા ગયા તો રેટિયાવાડ પાસે ખાટલામાં સૂઇ રહેલા દિકરો લોહી લુહાણ બેભાન હાલતમાં હતો ઃ શાહપુર પોલીસે હત્યાની કોશિષનો ગુના નોંધી તપાસ શરુ કરી
શાહપુરમાં રહેતા યુવકે શાહપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો 28 વર્ષનો પુત્ર પણ છૂટક મજૂરી કામ કરે છે. ત્યારે તે અગાઉ ગેરેજ કામ હોવાથી રેટીયાવાડ બસ સ્ટેન્ડની પાસે ઘણીવાર ગેરેજ બહાર સૂઇ જતો હતો. તેમનો પુત્ર તા.૯ના રોજ ઘરે ન આવતા પરિવારજનોને એમ કે ગેરેજ બહાર સૂઇ ગયો હશે.
આજે સવારે ચાલીના શખ્સે આવીને માતાના કહ્યું કે તમારો પુત્ર રેટિયાવાડી બસ સ્ટેન્ડ પાસે ખાટલામાં લોહી લુહાણ હાલતમાં પડયો છે. જેથી પરિવારના સભ્યો ત્યાં ગયા ત્યારે પુત્ર ખાટલામાં લોહી લુહાણ બેભાન હાલતમાં પડયો હતો. તેને આંખ અને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.









