Gujarat

ભાવનગર તાલુકાની એક પેઢીમાંથી પનીરનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ નીકળ્યું

By GS TEAM
15 May 20262 mins read
ભાવનગર તાલુકાની એક પેઢીમાંથી પનીરનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ નીકળ્યું

ચૂંટણી સહિતની કામગીરીને લઇ સેમ્પલીંગ ઘટયું

જિલ્લા ફુડ વિભાગે ભાવનગરમાંથી ૨૭ અને બોટાદમાંથી ૯ વિવિધ ખાદ્ય સામગ્રીના નમૂના લીધા

ભાવનગરજિલ્લા ફુડ વિભાગ દ્વારા ગત માસમાં વિવિધ તાલુકા મથકો પરથી વિવિધ પેઢીને ત્યાંથી ભાવનગરમાંથી ૨૭ અને બોટાદમાંથી ૯ વિવિધ ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાયા હતાં. જ્યારે આવેલ રિપોર્ટમાં પનીરનું એક સેમ્પલ સબસ્ટાન્ડર્ડ સાબિત થવા પામ્યું હતું.

મળતી વિગતો મુજબ લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે હેતુ સાથે કાર્યરત જિલ્લા ફુડ વિભાગ દ્વારા ભાવનગર તાલુકામાંથી અગાઉ એક પેઢીમાંથી લેવાયેલ પનીર લુઝનું સેમ્પલ લેબોરેટરી ટેસ્ટીંગ માટે મોકલાયેલ જેમાં બી.આર. રીડીંગ ફાઉન્ડ હાયર તો રીચેર્ટ મેસલ વેલ્યુ લો અને મિલ્ક ફેટ ડ્રાય આવ્યું હતું. જે આરોગ્ય માટે જોખમકારક સાબિત થયું છે. હાલના સમયમાં પંજાબી સબ્જીમાં પનીરનો વિશેષ ઉપયોગ થતો હોય ત્યારે સબ્જીમાં વપરાતું પનીરની ગુણવત્તા સામે સવાલો ઉઠવા પામ્યા છે. ફુડ વિભાગે અપીલની તક આપી પુનઃ ચકાસણી બાદ સેમ્પલ ફેઇલ આવે કેસ દાખલ કરશે. આ ઉપરાંત ગત માસ અંતર્ગત ભાવનગર જિલ્લાના પાલિતાણા, ગારિયાધાર, સિહોર, તળાજા, મહુવા તાલુકા મથકેથી દૂધના-૩, ઘીનું ૧, ખાદ્ય તેલનું ૧, મીઠાઇના ૫, ફરસાણના ૨, તૈયાર ખોરાકના ૨, પનીરના ૨, પાઉ-બ્રેડના ૨, ઘઉંના લોટનું ૧ અને સર્વેલન્સના ૮ મળી કુલ ૨૭ નમૂના લેવાયા હતાં. જ્યારે બોટાદ જિલ્લાના રાણપુર, ગઢડા, બરવાળામાંથી મીઠાઇના ૨, આઇસ્ક્રીમના ૨ અને સર્વેલન્સના પાંચ મળી ૯ નમૂના મેળવી તમામ લેબોરેટરી ટેસ્ટીંગ માટે મોકલી દેવાયા છે. ગત માસ અંતર્ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી કામગીરી અંતર્ગત કચેરીના ઇન્સપેક્ટરોને જરૃરી ઓર્ડરો થતા સેમ્પલીંગની કામગીરી નહીવત થવા પામી હોવાનું જણાયું છે.