વેકેશનની મજા માણવા ગયેલા પ્રવાસીઓને ઇંધણ માટે રઝળપાટ : જૂનગાઢ અને સાસણના રૂટ ઉપર આવેલા તમામ પેટ્રોલ પંપોમાં ડીઝલની તંગી; પરિવાર સાથે નીકળેલા પ્રવાસીઓ પરેશાન
જૂનાગઢ, : હાલ રાજ્યભરમાં ઉનાળુ વેકેશનનો માહોલ જામ્યો છે,ત્યારે ઐતિહાસિક નગરી જૂનાગઢ અને એશિયાટિક લાયનનું ઘર ગણાતા વિશ્વપ્રસિધ્ધ સાસણ ગીરમાં મોટી સંખ્યામાં પર્યટકો પોતાના પરિવાર સાથે પ્રવાસે આવી રહ્યા છે. પરંતુ આ ઉત્સાહના માહોલ વચ્ચે પ્રવાસીઓ માટે એક મોટી આફત ઊભી થઈ છે. જૂનાગઢ શહેર અને તેની આસપાસના વિસ્તારોના મોટાભાગના પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે, અથવા તો અત્યંત મર્યાદિત માત્રામાં ડીઝલ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે હજારો પ્રવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા છે.
ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પોતાના ખાનગી વાહનો અને ટ્રાવેલ્સની બસો લઈને આવેલા પ્રવાસીઓ ડીઝલ મેળવવા માટે એક પંપથી બીજા પંપે ભટકી રહ્યા છે. કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં કાં તો ડીઝલ નથી ના બોર્ડ જોવા મળે છે અથવા તો માત્ર સીમિત રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. ધોમધખતા તાપમાં નાના બાળકો અને પરિવાર સાથે નીકળેલા પ્રવાસીઓ અધવચ્ચે અટવાઈ પડયા છે અને તેમનામાં ભારે આક્રોશ તેમજ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાસણ અને જૂનાગઢના સ્થાનિક વ્યવસાયીઓનું કહેવું છે કે, વેકેશનની આ સીઝન વર્ષની સૌથી મુખ્ય સિઝન હોય છે. જો ડીઝલની આ અછત લાંબી ચાલશે તો પ્રવાસીઓ અધવચ્ચેથી જ પોતાના પ્રવાસ ટૂંકાવીને પરત ફરી રહ્યા છે જેની સીધી નકારાત્મક અસર સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ, હોટેલ વ્યવસાય અને વાહન ચાલકો પર પડશે. જિલ્લા વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે દરમ્યાનગીરી કરીને જૂનાગઢ-સાસણ રૂટના તમામ પેટ્રોલ પંપો પર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે. ઇમરજન્સી વ્યવસ્થા ઊભી થાય તેવી માંગ ઉઠી છે. પ્રવાસીઓની સુવિધા માટે પ્રવાસન સ્થળોની આસપાસ ખાસ 'ગ્રીન ચેનલ' કે ઇમરજન્સી ક્વોટા નક્કી કરીને ડીઝલનું વિતરણ સુનિશ્ચિત કરવામાં આવે. જો તંત્ર દ્વારા આ બાબતે આગામી 24 કલાકમાં કોઈ યોગ્ય અને નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો પ્રવાસીઓની હાલાકી વધુ ગંભીર બનશે અને જૂનાગઢના પ્રવાસન ક્ષેત્રની છબી ખરડાશે તેવી ભીતિ સેવાઈ રહી છે. પ્રજા અને પર્યટકોના હિતમાં તંત્ર વહેલી તકે જાગે તેવી પ્રબળ માંગ ઉઠી છે.


