Gujarat

એક સભ્યનો મોબાઇલ હેક કરી ગ્રુપમાં RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી!

By GS TEAM
7 Dec 20252 mins read
એક સભ્યનો મોબાઇલ હેક કરી ગ્રુપમાં RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી!

ઉત્તર ગુજરાત સહિત ગાંધીનગરમાં સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડી

ચાર જ દિવસમાં દહેગામમાં ત્રણ લોકોના મોબાઈલ હેક કરીને ગુ્રપમાં મેસેજ મોકલ્યા સાયબર ક્રાઇમમાં ફરિયાદવોટસએપ ગુ્રપના સભ્યો માટે લાલબત્તી સમાન કિસ્સો

ગાંધીનગર :  દહેગામમાં છેલ્લા ચાર દિવસમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં વાહન ચાલકોને આરટીઓ ઈ-ચલણના નામે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સાયબર ક્રિમિનલ્સની આ નવી મોડસ ઓપરેન્ડીના કારણે દહેગામમાં માત્ર ૪ દિવસમાં ૩ જેટલા નાગરિકોના મોબાઈલ ફોન હેક થયા હોવાની વિગતો સામે આવી છે.

હાલમાં સાયબર ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે હવે આરટીઓ ઈ ચલણના નામે વ્યક્તિગત મેસેજ મળતા લોકો ચેતી રહ્યા છે પરંતુ આ ગઠિયાઓ હવે આખે આખા ગુ્રપમાં આ મેસેજ મોકલી રહ્યા છે. જે માટે ગુ્રપના એક સભ્યનો મોબાઇલ હેક કરીને ગુ્રપમાં આ પ્રકારની ફાઈલ મોકલી ફોન હેક કરીને રૃપિયા ઉપાડવામાં આવી રહ્યા છે. દહેગામમાં છેલ્લા ચાર જ દિવસમાં ત્રણ જેટલા વ્યક્તિઓના મોબાઇલ હેક કરીને આ પ્રકારની છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. ગઠિયાઓ દ્વારા ગુ્રપના કોઈ એક સભ્યોનો મોબાઇલ હેક કરીને ત્યારબાદ ગુ્રપનો પ્રોફાઈલ ફોટો બદલી દે છે અને ત્યારબાદ તેનું નામ બદલીને આરટીઓ, પોલીસ અથવા ટ્રાફિક ચલણ જેવું નામ આપી દે છે ત્યારબાદ ગુ્રપમાં આ પ્રકારની ફાઈલ મૂકવામાં આવે છે અને આ એપીકે ફાઈલ ગુ્રપમાં રહેલા ૧૦૦-૨૦૦ સભ્યોમાંથી બે ચાર વ્યક્તિઓ ખોલે તો તેમના મોબાઇલને હેક કરીને રૃપિયા ઉપાડવામાં આવતા હોય છે. જોકે દહેગામમાં ત્રણ જેટલા વ્યક્તિઓના મોબાઈલ હેક કરવામાં આવ્યા છે પરંતુ સમય સૂચકતાને કારણે તેઓએ ફોન બંધ કરી દીધા હતા અને સીમકાર્ડ પણ કાઢી દીધા હતા જેના કારણે કોઈ નાણાકીય છેતરપિંડી થઈ નથી પરંતુ આગામી સમયમાં આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે નાગરિકોએ સાવધાન રહેવાની જરૃર છે. આ ઘટના સંદર્ભે હાલ સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. લોકોના કીમતી રૃપિયા ઉપાડવા માટે સાયબર ગઠિયાઓ દ્વારા અપનાવવામાં આવી રહેલી નવી નવી પદ્ધતિ પોલીસ માટે પણ ચિંતાનો વિષય બની છે.