Gujarat

ડાલામાં ચોરીને લઈ જવાતો સરકારી વીજ વાયરનો મોટો જથ્થો ઝડપી લીધો

By GS TEAM
23 Nov 20252 mins read
ડાલામાં ચોરીને લઈ જવાતો સરકારી વીજ વાયરનો મોટો જથ્થો ઝડપી લીધો

ચિલોડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન

તલોદ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલીને ૪.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસે ચંદ્રાલા નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ દરમિયાન એક પીકઅપ ડાલામાંથી ચોરીના સરકારી એલ્યુમિનિયમના વીજ તાર સાથે એક આરોપીને ઝડપી પાડયો છે. ૪.૪૮ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે સાબરકાંઠાના તલોદ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અપાયેલી સૂચનાના પગલે ચિલોડા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડ દ્વારા નેશનલ હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. જેના પગલે પોલીસ દ્વારા ચંદ્રાલા પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે સમયે હિંમતનગર તરફથી આવતા એક શંકાસ્પદ બોલેરો પીકઅપને અટકાવવામાં આવ્યું હતું. ડ્રાઈવરની પૂછપરછ અને ડાલામાં તપાસ કરતા પાછળના ભાગેથી એલ્યુમિનિયમના વીજ તારના જથ્થાબંધ બંડલ મળી આવ્યા હતા. ડ્રાઈવર પાસે આ માલ અંગે કોઈ બિલ કે આધાર-પુરાવા ન હોવાથી અને સંતોષકારક જવાબ ન મળતા પોલીસે શંકાના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસની સઘન પૂછપરછમાં ડ્રાઇવરે કબૂલાત કરી હતી કે આ મુદ્દામાલ તેણે તલોદથી દહેગામ જતા રોડ પર આવેલ ટીંબા કંપા ખાતેથી ચોરી કર્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ અંગે સાબરકાંઠાના તલોદ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે જેથી પોલીસ દ્વારા ડ્રાઇવર મૂળ રાજસ્થાન ખાતે રહેતા લાડુ પ્રભુ ઉદય લાલ ગુર્જરની ધરપકડ કરવામાં આવી હતી અને દારૃ તેમજ વીજ વાયર મળીને ૪.૪૮ લાખનો મુદ્દામલ કબજે કરવામાં આવ્યો હતો.