Gujarat

હરિભક્તોની કારના કાચ તોડી ૨૦.૮૫ લાખની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો

By GS TEAM
31 Oct 20252 mins read
હરિભક્તોની કારના કાચ તોડી ૨૦.૮૫ લાખની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો

સ્વામિનારાયણ ધામ ખાતે જ્ઞાાન સપ્તાહમાં આવેલા

કાર લઈને ચોરી કરવા માટે આવ્યો ઃ ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ દ્વારા ૧૮.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક સ્વામિનારાયણ ધામ ખાતે યોજાયેલા જ્ઞાાન સપ્તાહ દરમિયાન ચાર જેટલા હરિભક્તોની કારના કાચ તોડીને ૨૦.૮૫ લાખની મત્તા ચોરી લેવામાં આવી હતી. જે ગુનામાં ગાંધીનગર એસઓજીની ટીમ દ્વારા ખેડાના રીઢા ચોરને ઝડપી લેવામાં આવ્યો છે અને ૧૮.૧૯ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટના વધી રહી છે ત્યારે સ્વામિનારાયણ ધામ ખાતે યોજાયેલા જ્ઞાાન સપ્તાહ દરમિયાન દેશ-વિદેશમાંથી હરિભક્તો આવ્યા હતા. જેમના માટે પાકગ વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ પાકગમાં પાર્ક કરવામાં આવેલી ચાર જેટલી કારમાં કાચ તોડીને સોના ચાંદીના દાગીના લેપટોપ રોકડ રકમ સહિત ૨૦.૮૫ લાખ રૃપિયાની મત્તા ચોરી લેવામાં આવી હતી. જે સંદર્ભે ઇન્ફોસીટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે આ સ્થિતિમાં ગાંધીનગર રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ગાંધીનગર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી વાળાને સુચના આપવામાં આવી હતી. જેના પગલે એસઓજીની ટીમ દ્વારા નેત્રમ પ્રોજેક્ટ અને સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. એક શંકાસ્પદ કાર શોધવામાં આવી હતી અને તેની તપાસ કરતા ખેડાના વસો ખાતે રહેતા અકિલ સલીમભાઈ વોહરની કાર હોવાનું બહાર આવ્યું હતું. જે અગાઉ પણ આ પ્રકારની ચોરીઓમાં સંડોવાયેલો હતો. જેથી પોલીસે તેના ઘરે પહોંચીને તેને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રોકડ દાગીના તેમજ અન્ય ચીજ વસ્તુ મળીને કુલ ૧૮.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે હાલ આરોપીની વધુ પૂછપરછ શરૃ કરવામાં આવી છે. જેમાં ચોરી સંદર્ભે અન્ય ગુનાઓ ઉકેલવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.